જૂનાગઢ : ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા ચાલી રહી છે. પરિક્રમા દરમિયાન પાંચ પડાવનું ખૂબ જ ધાર્મિક મહત્વ માનવામાં આવે છે. ગિરનાર ફરતે થતી પગપાળા પરિક્રમા દરમિયાન પાંચ પડાવો પ્રત્યેક પરિક્રમાથીઓ માટે આજે પણ મહત્વના માનવામાં આવે છે. પરિક્રમા શરૂ થતા ગિરનાર તળેટીને પ્રથમ પડાવ તરીકે માનવામાં આવે છે. અહીંથી પરિક્રમા શરૂ થયા બાદ ભવનાથ મહાદેવના દર્શન કરીને અંતિમ પડાવરૂપે પરિક્રમાને પૂર્ણ માનવામાં આવે છે. મહાભારત કાળમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા પરિક્રમા કરવામાં આવી હતી તેવી ધાર્મિક લોકવાયકાને કારણે ગિરનારની લીલી પરિક્રમા આજે પણ પ્રત્યેક ભાવિકો માટે એટલી જ મહત્વની માનવામાં આવે છે.
ગિરનાર પહેલા રેવતાચલ પર્વત : ગરવા ગિરનારની પરિક્રમા ચાલી રહી છે ત્યારે સતયુગમાં આજનો ગિરનાર પર્વત જેતે સમયે દેવી દેવતાઓના સમયમાં રેવતાચલ પર્વત તરીકે ઓળખાતો હતો. ભગવાન ઇન્દ્ર જ્યારે પહાડોની પાંખો કાપી રહ્યાં હતાં ત્યારે રેવતાચલ પર્વત ઉડીને અડધો સમુદ્રમાં અને અડધો જમીન પર ધસી ગયો હતો. જે કાળક્રમે આજે ગિરનાર પર્વત તરીકે પૂજાઇ રહ્યો છે. સનાતન ધર્મની લોકવાયકા મુજબ ગિરનાર પર્વતમાં નવનાથ અને 56 જોગણીના બેસણાં આજે પણ છે. જેથી ગિરનાર પર્વતની પાવનકારી લીલી પરિક્રમા નવનાથ અને 56 જોગણીની પરિક્રમા કરવા સમાન માનવામાં આવે છે. જેથી ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા ધાર્મિક દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વની માનવામાં આવે છે.
કારતક સુદ અગિયારસે પરિક્રમા : કારતક સુદ અગિયારસને દેવ ઉઠી અગિયારસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજના દિવસે તુલસી વિવાહની ધાર્મિક પરંપરા પૂર્ણ થયા બાદ મધ્યરાત્રિના 12:00 વાગે પરિક્રમા શરૂ થતી હોય છે. તળેટી બાદ બીજા પડાવ તરીકે જીણાબાવાની મઢીને પરિક્રમામાં મહત્વની માનવામાં આવે છે. નાગા સંન્યાસી દ્વારા ઝીણા બાવાને ચલમમાંથી પસાર થવાનો આદેશ કરવામાં આવતા ઝીણા બાવા નાગાસંન્યાસીની ચલમમાંથી પસાર થઈ જાય છે. ત્યારથી આ જગ્યા સનાતન ધર્મમાં ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. ત્યાર બાદના પડાવ તરીકે માળ વેલાને માનવામાં આવે છે અહીં શ્રવણે રોકાણ કર્યું હોવાનું પણ મનાય છે. તેના પ્રતીકરૂપે આજે અહીં કાવડ પણ જોવા મળે છે. ઋષિ માતંગીએ પણ અહીં તપ આરાધના અને રોકાણ કર્યું હોવાને લોકો વાયકા સનાતન ધર્મમાં જોવા મળે છે.
બોરદેવી અને ભવનાથનો પડાવ : પરિક્રમાના ચોથા પડાવ તરીકે બોરદેવી માતાના મંદિર સ્થાનકને માનવામાં આવે છે. શ્રીકૃષ્ણના સમયમાં આ વિસ્તારમાં બોરનું જંગલ હોવાને કારણે અહીં શક્તિ સ્વરૂપે બિરાજમાન થયેલા માતાજીને બોરદેવી માતાજી તરીકે પણ પુજવામાં આવે છે. પરિક્રમાના ચોથા પડાવમાં ખૂબ મોટી સંખ્યામાં પરિક્રમાર્થીઓ અહીં આવે અને રોકાણ કરીને ભોજન પ્રસાદ ગ્રહણ કરી પરિક્રમાના અંતિમ પડાવ તરફ આગળ વધે છે. પાંચમાં પડાવ તરીકે સ્વયંભૂ ભવનાથ મહાદેવને માનવામાં આવે છે. પરિક્રમા પૂર્ણ થયા બાદ ભવનાથ મહાદેવના ચરણોમાં પ્રત્યેક પરિક્રર્માથી દર્શન કરીને તેની પરિક્રમાને વિધિવત રીતે પૂર્ણ કરે છે.