જૂનાગઢ : સાતમ આઠમના તહેવારને થેપલાના તહેવાર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે જૂનાગઢમાં પણ ખાસ મહિલાઓ અને સાતમ આઠમના તહેવારને ધ્યાને રાખીને થેપલા બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢની બહેનોએ વિવિધ ધાન્યો અને શાકભાજીની સાથે મસાલાનો ઉપયોગ કરીને સ્વાદ સોડમની સાથે આરોગ્યની દ્રષ્ટિએ સર્વોત્તમ થેપલા બનાવીને ગુજરાતના પર્યાય તરીકે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત થેપલાને એક નવું માન અને મરતબો મળે તે માટેનો પ્રયાસ કર્યો હતો.
સાતમ આઠમનો તહેવાર થેપલાના તહેવાર તરીકે ઓળખાય છે. તો બીજા શબ્દોમાં કહીએ તો ગુજરાતી અને થેપલા બંને એકબીજાના પર્યાય જોવા મળે છે. આવા સમયે મહિલાઓ વિવિધ શાકભાજી અને ધાન્યોનો ઉપયોગ કરીને આરોગ્યની દ્રષ્ટિએ સારા થેપલા બનાવે તે માટે આ સ્પર્ધાનું આયોજન કર્યું હતું. જેમાં મહિલાઓએ ખૂબ ઉત્સાહ દેખાડીને 100 કરતા વધુ પ્રતિસ્પર્ધીઓએ શાકભાજી અને ધાન્યોમાંથી પોતાની આવડત મુજબ થેપલા બનાવીને અહીં રજૂ કર્યા હતા. ચેતનાબેન પંડ્યા (ઓપન જૂનાગઢ થેપલા સ્પર્ધાના આયોજક )
અલગ આકાર અને રંગમાં જોવા મળ્યા : થેપલા સામાન્ય રીતે થેપલાનું નામ પડતાં જ ઘઉંનો લોટ અને મેથીના ઉપયોગથી થેપલા બનતા હશે આવો સામાન્ય વિચાર સૌ કોઈને આવે. પરંતુ બહેનોએ આજે થેપલાને પણ રંગ અને રૂપમાં અલગ રીતે એવા વણ્યાં કે જોયા પછી તેને ખાવા માટે કોઈ પણનું મન લલચાય.
સર્વોત્તમ થેપલા : લાલ પીળા લીલા થેપલાનો રંગ અને તેમાં પણ અલગ અલગ આકારની સાથે વિવિધ આચારો સાથે થેપલાને રજૂ કરવામાં આવ્યા હતા. જેની બનાવટ પાછળ વિવિધ શાકભાજી અને ધાન્યો જેવા કે પાલક કોથમીર બીટ ધાણા મેથી લીલા મરચા સહિત કેટલાક મસાલાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેને ઘઉં બાજરી જુવાર રાગી સોયાબીન અને ઓટના લોટના મિશ્રણથી આરોગ્યની દ્રષ્ટિએ સર્વોત્તમ થેપલા બનાવીને રજુ કરાયા હતાં.
અમે મલ્ટી ગ્રેઈન અને વેજીટેબલના સુમેળથી આરોગ્યની દ્રષ્ટિએ સર્વોત્તમ થેપલા બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં દૂધી પાલક અને કોથમીરની સાથે ઘઉં બાજરી સોયાબીન અને ઓટના લોટને પ્રાધાન્ય આપીને સૌ કોઈ માટે આરોગ્યની દ્રષ્ટિએ સર્વોત્તમ થેપલા બનાવવાનો પ્રયાસ કર્યો છે. નિર્ણાયકોએ સૌથી સારો પ્રયાસ માનીને મારા બનાવેલા થેપલાને વિજેતા જાહેર કર્યા છે...ખ્યાતિ ત્રિવેદી(સ્પર્ધક)
આરોગ્યવર્ધક થેપલાની બનાવટ : સાત જાતના ધાન્ય અને પાંચ જાતના શાકભાજી થી બનેલા થેપલા સ્પર્ધામાં અલગ રીતે કરી આવતા હતા. જેની બનાવટમાં ઘઉં બાજરી જુવાર સોયાબીન ઓટ અને રાગીના લોટની સાથે દૂધી પાલક કોથમીર મેથી સુકા મસાલાના યોગ્ય અને પ્રમાણસર મિશ્રણથી આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ સર્વોત્તમ થેપલા બનેલા જોવા મળતા હતા. જેને મહિલાને નિર્ણાયકોએ પણ સ્વાદની સાથે તેમાં સામેલ કરવામાં આવેલા શાકભાજી અને ધાન્યોને પરિપૂર્ણ માનીને પ્રથમ પાંચ ક્રમે થેપલા બનાવનાર મહિલાને પ્રોત્સાહિત ઇનામો દ્વારા તેમના પ્રયાસોને બિરદાવવામાં આવ્યો હતો.