જૂનાગઢ : રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા રાજ્યમાં ટ્રાફિક નિયમન કરતા પોલીસ કર્મચારીઓ સાથે સહાયક તરીકે કામ કરતા ટીઆરબી જવાનોને છૂટા કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. જેને લઈને ટીઆરબી જવાનોના પરિવારજનોમાં અને ખુદ ટ્રાફિક સેવામાં જોડાયેલા ટીઆરબી જવાનો ચિંતિત બન્યા છે. આગામી 31 માર્ચ 2024 સુધીમાં દસ વર્ષથી લઈને ત્રણ વર્ષ સુધી માનદ સેવા કરેલા તમામ ટીઆરબી જવાનોને ફરજ મુક્ત કરવાનો આદેશ રાજ્યના પોલીસવડા વિકાસ સહાયે કર્યો છે. જેને લઇને ટીઆરબી જવાનોમાં ભારે ચિંતા જોવા મળે છે.
પ્રતિ દિવસ 300 રુપિયાનું મહેનતાણું : પાછલા ઘણા વર્ષોથી જૂનાગઢ શહેરમાં ટ્રાફિક નિયમન સાથે સંકળાયેલા ટ્રાફિક બ્રિગેડના જવાન આફતાબ બલોચે ઈટીવી ભારતને વિગતો આપતા જણાવ્યું હતું કે પાછલા ઘણા વર્ષોથી તેઓ ટ્રાફિક બ્રિગેડમાં કામ કરી રહ્યા છે. માનદ વેતન સાથે પ્રતિ દિવસ 300 રુપિયાનું મહેનતાણું ચુકવવામાં આવે છે.
અચાનક ફરજમાંથી છૂટા કરવાનો આદેશ કરવામાં આવતા પરિવાર પર જાણે કે વજ્રઘાત થઈ હોય તેવો માહોલ આ દિવસોમાં જોવા મળે છે. પરિવારની આર્થિક આવકનું એકમાત્ર સાધન ટ્રાફિક બ્રિગેડના યુવાનો તેમના પરિવાર માટે હતાં. પરંતુ હવે રાજ્ય સરકારે તેને સેવામાંથી ફરજ મુક્ત કરવાનો આદેશ કર્યો છે જેથી પરિવાર અને ખાસ કરીને યુવાનો રોજગારીને લઈને ખૂબ જ ચિંતિત બન્યા છે...આફતાબ બલોચ (જૂનાગઢ ટ્રાફિક બ્રિગેડના જવાન)
જીવનનિર્વાહની ચિંતા : રાજ્યના પોલીસવડા વિકાસ સહાયે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ટ્રાફિક નિયમન સાથે સંકળાયેલા પોલીસ કર્મચારીની મદદગારીમાં રહીને માનદવેતન સાથે સેવા આપતા ટીઆરબી જવાનોને આગામી 31 માર્ચ 2024 સુધીમાં ફરજ મુક્ત કરવાનો આદેશ કર્યો છે. જેને લઈને ટીઆરબી જવાનો અને તેમના પરિવારજનોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. પાછલા દસ વર્ષથી ટ્રાફિક નિયમન સાથે જોડાયેલા અને માનદ વેતન સાથે કામ કરતા ટીઆરબી જવાનો આજે બેરોજગાર થવાને આરે ઉભેલા છે. જેને કારણે તેમના પરિવારજનોમાં પણ ભારે ચિંતા જોવા મળી રહી છે.
સરકાર રોજગારી આપવાથી તો દૂર પરંતુ જે લોકો પાસે રોજગાર છે તેને પણ બેરોજગાર બનાવી રહી છે. આજે મહિલાઓને કોઈપણ કામ શોધવા માટે ખૂબ મુશ્કેલ પડી રહી છે. આવા સમયમાં ટ્રાફિક બ્રિગેડમાં જોડાયેલી મહિલાઓ હવે ફરી એક વખત રોજગારીની ચિંતામાં ધકેલાઈ ગયેલી જોવા મળશે. વધુમાં ટ્રાફિક બ્રિગેડના જવાનો મોટે ભાગે યુવાનો હોય છે. ત્યારે તેમની સાંસારિક અને પારિવારિક જરૂરિયાત પણ તેમની આ માનદ સેવા થકી જોડાયેલી હતી. પરંતુ હવે સરકારે ફરજમુક્ત કરવાનો આદેશ કર્યો છે ત્યારે સામે ફરી એક વખત રોજગારી અને ખાસ કરીને લગ્ન સંબંધો જેવી સમસ્યાઓ મોં ફાડીને વિકરાળ બનતી જોવા મળશે... ભાવનાબેન ગોસાઈ ( ટીઆરબી જવાન )
રાજ્ય પોલીસ વડાનો આદેશ : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા ટીઆરબી જવાનોને છૂટા કરવાને લઈને જે પરિપત્ર જાહેર કરાયો છે. તે મુજબ 10 વર્ષથી માનદ સેવા સાથે જોડાયેલા 1100 જેટલા જવાનો 05 વર્ષથી ટ્રાફિક નિયમન કરતા 3000 જવાનો અને પાછલા 03 વર્ષથી ટ્રાફિકનું સફળ સંચાલન થાય તે માટે સેવામાં જોડાયેલા 2300 જેટલા મહિલા અને પુરુષ ટ્રાફિક બ્રિગેડના જવાનોને વહીવટી રીતે હવે સેવામાં ચાલુ રાખી શકાય નહીં તેવા આદેશ આપવામાં આવ્યાં છે. તે મુજબ દસ વર્ષની માનદ સેવા કરેલા બ્રિગેડના જવાનોને 30/11/2023 પાંચ વર્ષની માનત સેવા કરેલા ટ્રાફિક બ્રિગેડના જવાનને 31/12/2023 અને ત્રણ વર્ષની માનદ સેવા કરેલા ટ્રાફિક બ્રિગેડના જવાનને 31/03/2024 સુધીમાં ફરજ મુક્ત કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.