જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના કેશોદમાં ત્રણ શ્રમિકો દ્વારા ફિનાઈલ પી લઇને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવાની કેશોદ પોલીસે ફરિયાદ નોંધી હતી. સમગ્ર મામલામાં તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે કેટલાક લોકો દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરનાર શ્રમિકો પાસેથી ખંડણીની ઉઘરાણી થઇ રહી હતી અને ન આપે તો જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતાં.
કોન્ટ્રાક્ટ ન મળ્યો : આ મામલામાં કેશોદ નગરપાલિકાનું પાણીનો ટાંકો ઊતારવાનો કોન્ટ્રાક્ટ મહત્ત્વની ભૂમિકામાં છે. જે અંગેનું કામ ન મળતાં એક ટોળકી દ્વારા જે શ્રમિકોને આ કોન્ટ્રાક્ટ મળ્યો હતો તેમની પાસેથી ખંડણીની ખોટી રીતે ઉઘરાણી કરી હોવાનું બહાર આવ્યું છે.
આ પણ વાંચો હાઇકોર્ટ દ્વારા પોકસો અને એટ્રોસિટી એક્ટને લઈને એક મહત્વનો પરિપત્ર કરવામાં આવ્યો
ખંડણીની માગણી : કેશોદમાં આજે ત્રણ શ્રમિકો દ્વારા ફિનાઈલ પીને આત્મહત્યા કરવાના પ્રયાસનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. શ્રમિકોના પરિવારજનોના જણાવ્યા મુજબ છેલ્લા છ દિવસથી કેટલાક યુવાનો તેમની પાસે ખંડણીની ખોટી રીતે ઉઘરાણી કરી રહ્યા હતાં. ગઈ કાલ રાતે 20 યુવાનો ટોળામાં આવ્યા હતાં અને મસમોટી રકમની માગણી કરી રહ્યા હતાં. જેને પગલે કિશોર વાઘેલા, બિપીન ચૂડાસમા અને સંજય પરમારએ ફિનાઇલ પી લઇને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ત્રણેય શ્રમિકને કેશોદ સબ ડિસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવા મારફતે લાવવામાં આવ્યાં હતાં.
જૂનાગઢ ખસેડાયાં : કેશોદ પ્રાથમિક સારવાર અપાયાં બાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ ખસેડવામાં આવ્યા હતાં. શ્રમિકોના પરિજને જણાવ્યું હતું કે કેશોદના આલાપ વિસ્તારમાં આવેલા નગરપાલિકાના પાણીના ટાંકાને તોડી પાડવાનું કામ તેમને મળ્યું હતું, જે બાબતે આ લોકો તેમની પાસે ખોટી રીતે ખંડણીની ઉઘરાણી કરી રહ્યા હતા અને કામ નહીં કરવા તથા કામ પડતું મૂકી જતા રહેવા સારું જાનથી મારી નાંખવાની ધમકી આપી ભૂંડી ગાળો ભાંડી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવતાં શ્રમિકોએ ફિનાઈલ પી લઇ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો રાજકોટની આત્મીય કોલેજમાં વિદ્યાર્થીઓ ઝઘડ્યાં, એટ્રોસિટી એક્ટ ફરિયાદ દાખલ
એટ્રોસિટી કેસ : શ્રમિક પરિવાર મૂળ પોરબંદરનો છે અને હાલ આ કામ અર્થે કેશોદ આવેલો હતો. ત્રણેય શ્રમિકોના પરિજનના જણાવવા મુજબ ખંડણીની ઉઘરાણી કરનાર ટોળકીમાં એક જાવેદ નામનો શખ્સ હોવાનું જણાવાયું હતું. કેશોદ પોલીસ સ્ટેશનમાં કિશોરભાઈ પુંજાભાઈ વાઘેલાની ફરિયાદ નોંધી જાવેદ નામના શખ્સ વિરુદ્ધ એટ્રોસિટી એકટ હેઠળ ગુનો નોંધી એસસી એસટી સેલના ઇન્ચાર્જ ડીવાયએસપી દિનેશ કોડીયાતર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કેશોદ નગરપાલિકાના આલાપ કોલોનીમાં આવેલ ઓવરહેડ પાણીની ટાંકી પાડવાનું કામ રાખનાર શ્રમિકો દ્વારા ટોળું આવ્યું હોવાનું જણાવાયું હતું.
ગુનો નોંધાયો : કેશોદ પોલીસ સ્ટેશનમાં એક શખ્સ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. ત્યારે અન્ય શખ્સોના નામ તપાસમાં જાહેર કરવામાં આવશે કે કેમ એ તો આવનારાં દિવસોમાં ખબર પડશે. કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બી સી ઠક્કર અને પોલીસ ઇન્સ્પેક્ટર બી બી કોળી દ્વારા ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી.