જૂનાગઢ : મહાનગરપાલિકા દ્વારા મજેવડી ગેટ પાસે આવેલી દરગાહને નોટિસ પાઠવવામાં આવતા જૂનાગઢમાં તોફાન ફાટી નીકળ્યું હતું. જેમાં પોલીસે તોફાનીઓની જાહેરમાં માર માર્યોનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ જોવા મળી રહ્યો હતો. જેની સામે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં આજે વઘુ સુનાવણી હાથ ધરાઈ હતી.
આજની સુનાવણી : આ જાહેર હિતની અરજી પર આજની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે રાજ્ય સરકારને સોગંદનામુ રજૂ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. હાઇકોર્ટે રાજ્ય સરકારને સોગંદનામું રજૂ કરવા માટે બે અઠવાડિયાનો સમય આપ્યો છે. બે અઠવાડિયાની અંદર સરકારે આ તમામ કેસના સંદર્ભે વિગતવાર સોગંદનામુ તૈયાર કરીને રજૂ કરવાનું રહેશે.
8 જગ્યાએ આપી હતી નોટીસ : મહાનગરપાલિકા દ્વારા જૂનાગઢમાં કુલ 8 ધાર્મિક સ્થળોને નોટીસ આપવામાં આવી હતી. જેમાં પાંચ અન્ય સમુદાય અને ત્રણ હિન્દુ સમુદાયને નોટીસ આપવામાં આવી હતી. આ નોટિસમાં જૂનાગઢના મજેવડી ગેટ પાસે આવેલી રેશમતાપીર બાબાની દરગાહ પણ હતી. જેમાં ગેરકાનૂની બાંધકામ કરીને દરગાહના આધાર પુરાવા રજૂ કરવા માટે મહાનગરપાલિકા દ્વારા ટ્રસ્ટની નોટિસ આપવામાં આવી હતી.
તોફાન કાબુમાં લેવા પ્રયાસ : જોકે આ નોટિસ આપ્યા બાદ જૂનાગઢનું વાતાવરણ તંગ બન્યું હતું અને તોફાન ફાટી નીકળ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા આ તોફાનને કાબુમાં મેળવવા માટે આરોપીઓને ઉભા રાખીને ફટકારવામાં આવ્યા હતા. આ આરોપીઓ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું છે કે, પોલીસે કાયદાની પ્રક્રિયાને અનુસર્યા વિના અત્યાચાર ગુજાર્યો છે.
અરજીમાં શું રજૂઆત કરવામાં આવી હતી : ગુજરાત હાઇકોર્ટમાં PIL લોક અધિકાર સંઘ અને માઈનોરીટી કો ઓરડીનેશન કમિટી દ્વારા આ જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં રજૂઆત કરવામાં આવી છે કે, પોલીસે કોઈપણ પ્રકારની કાયદાની પ્રક્રિયાને અનુસર્યા વિના અને કોર્ટમાં આરોપીઓ હજુ ગુનેગાર પણ સાબિત થયા ન હતા, ત્યારે તેમને માર મારવો એ માનવ અધિકારીનું ઉલ્લંઘન છે. આવી રીતે જાહેરમાં કોઈને પણ માર મારી શકાય નહીં તેથી આ મુદ્દે યોગ્ય પગલા લેવામાં આવે.
શું છે સમગ્ર મામલો : આ સમગ્ર કેસની વિગતવાર વાત કરીએ તો, જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામ હટાવવા મામલે નોટિસ આપવામાં આવી હતી.બાદમાં તંત્ર દ્વારા દરગાહ તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા વાતાવરણ તંગ બની ગયું હતું. જે 16 જૂન શુક્રવારની મધ્ય રાતીથી જ આશરે જૂનાગઢમાં તોફાન ચાલુ થઈ ગયું હતું. જેમાં લગભગ 2000 લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. આ ટોળા દ્વારા ST બસ પર હુમલો કરવામાં આવ્યો તેમજ વાહનો સળગાવી દેવામાં આવ્યા હતા, ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી તો પોલીસ કર્મચારી પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. જોકે દરગાહ પાસે પોલીસે આ ઘટનાને ધ્યાનમાં રાખીને કેટલાક આરોપીઓને ઉભા રાખીને તોફાન કરવા બદલ ફટકાર્યા હતા. જેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.