જૂનાગઢ શહેરમાં રહેતા અને ક્રિકેટનો શોખ ધરાવતા ખેલાડીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે. જૂનાગઢ મનપા હસ્તકના વિવેકાનંદ ક્રિકેટ ગ્રાઉન્ડને એક કરોડ કરતા પણ વધુના ખર્ચે રિનોવેશન કરવાનો જૂનાગઢ મનપાની કમિટીએ નિર્ણય કરતા આગામી દિવસોમાં જૂનાગઢમાં એક આધુનિક ક્રિકેટ મેદાન સંજોગોનું નિર્માણ થયું છે.
ભાજપ શાસિત જૂનાગઢ મનપાના સત્તાધીશોએ જૂનાગઢમાં રહેતા ક્રિકેટ ખેલાડીઓ માટે એક સારો અને આવકારદાયક કહી શકાય તેવો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી જૂનાગઢના ક્રિકેટ ખેલાડીઓ માટે માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશ માટે પણ નવા દ્વાર ખુલશે તેવું લાગી રહ્યું છે.
રાજકોટમાં જે પ્રકારે ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે. તે મુજબની ટફ વિકેટ ખેલાડીઓ અને દર્શકો માટે બેસવાની પેવેલિયન વ્યવસ્થા અને સમગ્ર ગ્રાઉન્ડ લાઈવ ગ્રાસથી સમગ્ર વર્ષ દરમિયાન આચ્છાદિત રહે તે માટેના પ્રયાસો આગામી સમયમાં હાથ ધરવામાં આવશે.આ નિર્ણયને જૂનાગઢમાં રહેતા ક્રિકેટ ખેલાડીઓ અને ક્રિકેટમાં તેની કારકિર્દી બનાવવા માંગતા યુવા ક્રિકેટરોએ પણ હર્ષભેર આવકાર્યો છે.