જૂનાગઢઃ જિલ્લાના સાસણ નજીક આવેલા ભાલછેલ ગામના પ્રગતિશીલ ખેડૂત સમશુદ્દિન ભાઈએ અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા, ઇઝરાઇલ જેવા દેશોની કેરીની જાતોનું વાવેતર કરીને કેરીની ખેતીમાં ગુજરાત માટે ખુબ જ ગર્વ પ્રદાન કરે એ પ્રકારનું કામ કરીને કેસરની સાથે વિશ્વની અન્ય જાતની કેરીનું પણ સફળ વાવેતર અને ઉત્પાદન મળી શકે તે દિશામાં સફળ ખેતી કરવા માટે કટિબદ્ધ બન્યા છે.
ગીર અને જૂનાગઢ જિલ્લો કેસરી અને કેસર માટે વર્ષોથી સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે અને આજે પણ ગીરનું નામ પડતાં કેસરી અને કેસર સૌ કોઇના મોઢે આવી ચડે. આવી પરિસ્થિતિમાં જૂનાગઢના સાસણ નજીક ભાલછેલ ગામના પ્રગતિશીલ ખેડૂતે વિશ્વના દસ કરતાં વધુ દેશોમાં પાકતી અને જે તે દેશમાં ખૂબ જ નામના ધરાવતી કેરીનું સફળ વાવેતર કર્યું છે. આગામી વર્ષોમાં આંબાપર વિદેશમાં પાકતી કેરી ભાલછેલ ગામમાં જોવા મળશે અને તેનો ટેસ્ટ આપણે સૌ માણી પણ શકીશું.
કેસરની સાથે ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ફ્લોરિડા, જાપાન, ઈઝરાઈલ, થાઇલેંડ, ઇજિપ્ત સહિતના વિશ્વના કેટલાક દેશોમાં કેરીની ખેતી થાય છે. ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી કેરીની ખેતી સાથે સંકળાયેલા પ્રગતિશીલ ખેડૂતે સાસણ નજીક ભાલછેલ ગામમાં વિદેશના દેશોમાં પાકતી કેરીને સફળ ખેતી કરવાનો પ્રયાસ કર્યો છે. જેમાં પ્રારંભિક તબક્કે તેમને સફળતા પણ મળતી હોય તેવું લાગી રહ્યું છે. જાપાનમાં પાકતી કેરી સમગ્ર વિશ્વમાં સૌથી મોંઘા ભાવે વેચાતી કેરી હોવાનું પણ તેઓ જણાવી રહ્યા છે. વિશ્વની સૌથી મોંઘી કેરી સ્વાદની સરખામણીમાં આપણી કેસરથી ઉણી ઉતરી રહી છે, તેવો પણ મત તેમણે વ્યક્ત કર્યો છે.
બાગાયત વિજ્ઞાન દ્વારા ખેતીને લઈને અને તેમાં પણ ખાસ કરીને કેસર કેરીના ઉત્પાદનને લઈને ક્રોસ વેરાઈટીને ખુબ જ મહત્વ આપવામાં આવ્યું છે. જેને લઇને વર્ષોવર્ષ કેરીની ખેતી તેનો સ્વાદ અને તેના ઉતારવામાં ખૂબ જ વધારો અને ફેરફાર જોવા મળે છે. તે દૃષ્ટિએ પણ હવે સાસણમાં આવેલી અને વિદેશની ભૂમિ પર પાકતી કેરી પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવશે અને શક્ય છે કે આ વિદેશની કેરીના સ્વાદમાં પણ આપણી કેસર નો સ્વાદ ભળે અને અમેરિકા જાપાન ઇઝરાયેલ સહિતના દેશોમાં પાકતી કેરી માંગ સૌરાષ્ટ્રના ભાલછેલમાં પાકતી કેરીની સરખામણીમાં આવે અને ત્યાના લોકો તેમના દેશની કેરી ખાવાને બદલે અહીં પાકતી તેમના દેશની કેરીની ડિમાન્ડ કરે તેવા ઉજળા સંજોગોનું નિર્માણ પણ ભવિષ્યમાં થઈ શકે છે.