અમદાવાદ: જુનાગઢ પોલીસે આજે ખૂબ જ મહત્વના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. થોડા દિવસ પૂર્વે બગડુ ગામના આંબાવાડી વિસ્તારના એક ઘરમાંથી સવારના 08 થી બપોરના 12:00 વાગ્યા દરમિયાન 6લાખ 29 હજાર જેટલા મુદ્દા માલની ઘરફોડ ચોરી થવા પામી હતી. મકાન માલિકની ફરિયાદને આધારે પોલીસે આજે ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. ઘરફોડ ચોરીમાં ભિક્ષાવૃત્તિ કરતી એક મહિલાને પકડી પાડીને ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે.
પૂર્વ બાતમીના આધારે પકડાઈ ભિક્ષુક મહિલા : બગડું ગામમાં ઘરફોડ ચોરીને અંજામ આપનાર ભિક્ષુક મહિલા જુનાગઢના ખામધ્રોલ રોડ પર આવેલ આરટીઓ આસપાસના રહેણાંક મકાનોમાં ભિક્ષાવૃત્તિના બહાને બંધ મકાનોની રેકી કરતી હોવાની બાતમી મળી હતી. જેને આધારે જુનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચે આરટીઓ નજીકથી આ મહિલાને પકડીને સ્થળ પર તેમની તપાસ કરતા તેની હિલચાલ શંકાસ્પદ જણાઈ આવી હતી. જેને પોલીસ મથકે લાવીને તપાસ કરતા તેની પાસેથી એક લાખ રૂપિયા રોકડ અને એક ફોન મળી આવ્યો હતો. જેના કોઈ આધાર પુરાવા નહીં મળતા જુનાગઢ પોલીસે 1,00,000 રોકડ અને મોબાઈલ ફોન જપ્ત કરીને સીઆરપીસીની ધારા 41 (૧) હેઠળ અટકાયત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભિક્ષુક મહિલા પાસેથી પકડાયા લાખોના દાગીના: પોલીસ પકડમાં રહેલી ભિક્ષુક મહિલા પાસેથી લાખોના દાગીના પોલીસને હાથ લાગ્યા છે. જેમાં ઢાળીઓ સોનાની બે ચેઈન પેન્ડલ સાથેનો બુટ્ટી સેટ બ્રેસલેટ નથડી,કડી બે વીટી તાર બુટ્ટી ચાંદીના સાંકડા અને ચાંદીની બંગડી આ તમામ દાગીનાની કિંમત 5,72,150 થવા જાય છે. જેને પોલીસે હસ્તગત કરીને ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસ અધિક્ષકે આપી વિગતો : જુનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાએ માધ્યમ અને વિગતો આપતા જણાવ્યું છે કે બગડું ગામમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં ભિક્ષુક મહિલા શામેલ હોવાના પુરાવાઓ મળતા પોલીસે આ મહિલાને સોના ચાંદીના દાગીના અને એક લાખ રોકડ સાથે પકડી પાડી છે. પોલીસની વધુ તપાસમાં ભિક્ષુક મહિલા સામે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ પાટડી લખતર પાટણ જિલ્લાના સમી અને વાગદોડ કચ્છના પૂર્વ ગાંધીધામ અને બનાસકાંઠાના ધાનેરા વાવ શિહોરી દિયોદર વિસ્તારમાં કુલ 11 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. હાલ પોલીસ સમગ્ર મામલામાં ભિક્ષુક મહિલા ચોરને પકડી પાડીને ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે. આગામી દિવસોમાં આ મહિલા દ્વારા અન્ય કેટલાક ગુનાઓનો ભેદ પણ ઉકેલાય તેવી શક્યતાઓ છે.