- સતત વધી રહેલા કોરોના સંક્રમણને લઈને જિલ્લા કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું
- શનિ-રવિ અને રજાના દિવસોમાં ભવનાથ અને વેલિંગ્ટન ડેમ વિસ્તારમાં પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ
- કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે તકેદારી રાખવા પ્રતિબંધાત્મક આદેશ
- ભવનાથ અને વેલિંગ્ટન ડેમ વિસ્તારમાં પ્રતિબંધાત્મક આદેશો જાહેર કરાયા
જૂનાગઢઃ શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં જૂનાગઢના પર્યટન અને ધાર્મિક સ્થળ એવા ભવનાથ અને વેલિંગ્ટન ડેમ વિસ્તારમાં જૂનાગઢ જિલ્લા કલેકટરે તમામ પ્રકારના પ્રવાસીઓ માટે પ્રતિબંધાત્મક આદેશો જાહેર કર્યા છે. શનિ-રવિ અને રજાના દિવસોમાં ભવનાથ અને વેલિંગ્ટન ડેમ વિસ્તારમાં કોઇપણ પ્રવાસી જઈ શકશે નહીં તેવો પ્રતિબંધાત્મક આદેશ જાહેર કર્યો છે. જૂનાગઢ શહેરમાં સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને હવે ચિંતાજનક રીતે સંક્રમિત વિદ્યાર્થીઓના આંકડા 100ની નજીક પહોંચી ગયા કે ત્યારે કલેક્ટરે પ્રતિબંધાત્મક આદેશો જાહેર કર્યા છે.
આ પણ વાંચોઃ કોરોના ઇફેક્ટઃ અઠવાઝોનમાં આવેલા તમામ મોલ બંધ, માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં ટેક્સટાઇલ માર્કેટ બંધ
ભવનાથ વિસ્તાર બંધ થવાને કારણે ગિરનાર રોપ-વે પણ આ દિવસો દરમિયાન બંધ રહી શકે છે
ભવનાથ વિસ્તારમાં તમામ પ્રકારના પ્રવાસીઓને પ્રવેશ માટે શનિ-રવિ અને રજાના દિવસો દરમિયાન સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે, આવી પરિસ્થિતિમાં ભવનાથ તળેટીમાં આવેલો એશિયાનો સૌથી મોટો ગિરનાર રોપ-વે પણ બંધ રહી શકે છે. આવી પરિસ્થિતિમાં રોપ-વેના સંચાલકો પણ ગિરનાર રોપ-વેને બંધ રાખવાનો નિર્ણય લઈ શકે છે. હજુ સુધી તેમના તરફથી રોપ-વે બંધ રહેશે કે નહિ તે પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ જ્યારે ભવનાથ વિસ્તારમાં જ તમામ પ્રકારના પ્રવાસીઓને પ્રવેશ માટે પ્રતિબંધ ફરમાવી દીધો છે. ત્યારે પ્રવાસીઓ માટે ચાલતો ગિરનાર રોપ-વે શરૂ રહી શકે તેવી શક્યતાઓ નહીંવત જણાઈ રહી છે.