જુનાગઢ: એક તરફ દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, દિવાળીના વેકેશનની રજાઓમાં ઘણાં પ્રવાસીઓ જુનાગઢ આવે છે, તેમજ સ્થાનિક લોકો પણ રજાઓમાં ફરવા નીકળતાં હોય છે. જોકે, દિવાળી પૂર્વે મહાનગર પાલિકાએ શહેરવાસીઓને મુશ્કેલીની ભેટ આપી છે. કારણ કે, શહેરના મોટાભાગના વિસ્તારોમાં ભૂગર્ભ ગટર, પીવાનું પાણી અને ઘરેલુ રાંધણ ગેસની પાઈપલાઈન નાખવાના કામો ચાલી રહ્યાં છે. જેના કારણે મોટા ભાગના માર્ગો પર ખોદાણ કે તોડવાની કામગીરી ચાલી રહી છે. જેથી લોકોને અને ખાસ કરીને વાહન ચાલકોને મોટી સમસ્યા ભોગવવાનો વારો આવ્યો છે. દિવાળી સુધીમાં કેટલાક માર્ગોનું નવીનીકરણ થશે પરંતુ દિવાળી બાદ પણ નવા કામોને લઈને ફરી એક વખત માર્ગોને ખોદવા કે તોડવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થશે. આવી પરિસ્થિતિમાં દિવાળી બાદ પણ જૂનાગઢના શહેરના લોકોની મુશ્કેલીમાં ઘટાડો થાય તેવી શક્યતા જોવા મળતી નથી.
ભૂગર્ભ ગટરનું કામ ખૂબ જ લાંબુ: જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ભૂગર્ભ ગટરના કામોને ત્રણ તબક્કામાં વિભાજિત કરાયા છે, પહેલો તબક્કો પૂરો થયો છે અને બીજા તબક્કાનું પ્રારંભિક કામ શરૂ થયું છે. જે આગામી બે વર્ષ સુધી ચાલે તેવી પૂરી શક્યતા છે. વધુમાં આણંદપુર ડેમ માંથી ફિલ્ટર થયેલું પીવાનું ચોખ્ખું પાણી જુનાગઢ શહેરના લોકોને મળી શકે તે માટેની પાઇપલાઇનનું કામ પણ કેટલાક વિસ્તારોમાં હાથ ધરવામાં આવશે. ત્યાર બાદ ખાનગી કંપની દ્વારા પ્રત્યેક ઘરમાં ઘરેલુ રાંધણ ગેસ પહોંચે તે માટેની પાઇપ લાઇન ના કામો પણ પ્રગતિમાં છે આવી પરિસ્થિતિમાં જે વિસ્તારમાં ભૂગર્ભ ગટર પાણીની લાઈન અને ઘરેલુ રાંધણ ગેસના કનેક્શનનો કામ પૂરા થઈ ગયાં છે, તે વિસ્તારમાં નવા માર્ગો કે માર્ગોનું સમારકામ દિવાળી સુધીમાં પૂર્ણ થશે. પરંતુ દિવાળી બાદ જે વિસ્તારોમાં ભૂગર્ભ ગટર, ઘરેલુ રાંધણ ગેસ. કે પીવાના પાણીની લાઈનોનું કામ બાકી છે, તેને ફરીથી શરૂ કરવામાં આવશે. જેના કારણે દિવાળી બાદ લોકોની જે વર્તમાન મુશ્કેલી કે સમસ્યા છે તે ફરી એક વખત દિવાળી પછી શરૂ થઈ શકે છે.
સુવિધા પહેલાં અસુવિધા: જુનાગઢના મોટા ભાગના વિસ્તારોમાં વિવિધ કામોને લઈને સ્થાનિક લોકોને અનેક સમસ્યા માંથી પસાર થવું પડી રહ્યું છે, ત્યારે જુનાગઢના વોર્ડ નંબર 8ના વિસ્તારમાં ચાલી રહેલા કામોને કારણે લોકોની મુશ્કેલીઓને સ્થાનિક પ્રતિનિધિ હબીભાઈએ ઈટીવી ભારત સમક્ષ વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે ઘણા સમયથી ગેસની પાઇપલાઇનનું કામ ચાલી રહ્યું છે, પરંતુ ખાનગી એજન્સીઓ દ્વારા લોકોને પડતી સમસ્યાઓને નજર અંદાજ કરીને કામમાં ખૂબ જ વિલંબ કરાઈ રહ્યો છે. જેથી અમારા વિસ્તારના 5000 કરતાં વધુ લોકોને અનેક સમસ્યા માંથી પસાર થવું પડ્યું છે. તો બીજી તરફ જૂનાગઢના મેયર ગીતાબેન પરમારે દિવાળી સુધીમાં જે વિસ્તારમાં ત્રણ સ્તરના કામો પૂરા થઈ ગયા છે ત્યાં માર્ગોના નવીનીકરણ કે તેના સમારકામને લઈને દિવાળી સુધીમાં કામ પૂર્ણ થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.