જૂનાગઢઃ શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે જિલ્લા વહીવટીતંત્ર અને મનપા દ્વારા તકેદારીના ભાગરૂપે દરેક વ્યક્તિને સાવચેતી રાખવા માટેની અપીલ કરવામાં આવી રહી છે. તેમ છતાં લોકો કોરોના સંક્રમણને કોરાણે મૂકીને તેમની ઈચ્છા મુજબ બજારમાં ફરતાં જોવા મળી રહ્યા છે.
છેલ્લા દસ દિવસોમાં જૂનાગઢ શહેરમાં કોરોના સંક્રમણનો રાફડો ફાટયો છે. તેમ છતાં લોકો લાપરવાહ બની કોરોના સંક્રમણને હળવાશથી લઇ રહ્યા છે. જેની સામે તંત્રની તમામ તૈયારીઓ યોજનાઓ નિષ્ફળ થઈરહી છે.
નોંધનીય છે કે, સતત વધી રહેલા સંક્રમણને ધ્યાને રાખીને જૂનાગઢ મનપા તંત્ર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ દરેક લોકો તેમજ વેપારીઓને સામાજિક અંતરનું પાલન કરવું દરેક વ્યક્તિએ માસ્ક ફરજિયાત ધારણ કરવું અને હાથને સેનીટાઇઝર વડે સાફ રાખવા આટલી વસ્તુ ફરજિયાત બનાવવામાં આવી છે.
મનપા તંત્ર દ્વારા પણ દરેક વ્યક્તિને આગ્રહ ભરી વિનંતી કરવામાં આવી છે કે, સામાજિક અંતરનું પાલન અને માસ્ક પહેરવાથી કોરોના જેવી વૈશ્વિક મહામારીનું સંક્રમણ ફેલાતા આપણે રોકાય છે. પરંતુ લોકો સામાજિક અંતરના નિયમનો ભંગ કરીને જે રીતે ફરી રહ્યા છે તે જોતા એવું લાગી રહ્યું છે કે, જૂનાગઢ શહેરમાં પણ કોરોના સંક્રમણ વધુ મુશ્કેલી સર્જી શકે તો નવાઈ નહીં.