- કોરોના રસીકરણના બીજા તબક્કાની જૂનાગઢમાં શરૂઆત
- જૂનાગઢના પ્રથમ નાગરિક ધીરુભાઈ ગોહિલે તેમની પત્ની સાથે રસી મૂકાવી
- 60 વર્ષ કે તેથી વધુ ઉંમરવાળા સિટિઝનોનો કરાયો સમાવેશ
જૂનાગઢ: આજે 1 માર્ચથી કોરોના સંક્રમણ સામે રક્ષણ આપતા રસીકરણના બીજા તબક્કો શરૂ કરવામાં આવ્યો છે. જૂનાગઢના ગાંધીગ્રામ સ્થિત મેડિકલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયાના હોલમાં આજથી 60 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા સિનિયર સિટિઝનોને કોરોના સંક્રમણ સામે રક્ષણ મળી રહે તે માટે બીજા તબક્કાનું રસીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢના પ્રથમ નાગરિક, મેયર ધીરુ ગોહેલે તેમના ધર્મ પત્ની સાથે કોરોનાની રસી મૂકાવીને રસીકરણની શરૂઆત કરાવી હતી. રસીકરણનાં પ્રથમ દિવસે કોરોના રસીકરણ મહાઅભિયાનને લઈને સિનિયર સિટિઝનોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે.
![જૂનાગઢમાં મેયર સહીત અનેક સિનિયર સિટીઝનોએ લીધી કોરોના વેક્સિન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jnd-01-rasi-vis-01-byte-02-pkg-7200745_01032021131953_0103f_1614584993_1083.png)
પ્રથમ દિવસે સિનિયર સિટિઝનો આવ્યા આગળ
કોરોના રસીકરણને લઈને સિનિયર સિટિઝનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રસીકરણના પ્રથમ દિવસે સિનિયર સિટિઝનોએ પણ પોતાનું રજિસ્ટ્રેશન કરાવીને સરકાર દ્વારા વિનામૂલ્યે આપવામાં આવતી અને કોરોના સામે રક્ષણ પૂરું પાડતી રસી લેવા માટે ઉત્સાહ દર્શાવ્યો હતો. રસીકરણ થયા બાદ સિનિયર સિટિઝનોએ ETV Bharat સાથેની વાતચીતમાં પોતાના પ્રતિભાવો પણ વ્યક્ત કર્યા હતા અને પ્રત્યેક નાગરિકને કોરોના સંક્રમણ સામે સુરક્ષિત કરતી કોરોનાની રસી લેવા માટે આગ્રહ ભરી વિનંતી પણ કરી હતી.