જૂનાગઢ: કેશોદ તાલુકાના કોઈલાણા ગામમાં પતિ અને પત્ની વચ્ચે શંકા અને કુશંકાએ એટલું વરવું સ્વરૂપ ધારણ કરી લીધું કે પતિએ પત્નીની કુહાડાના ઘા મારીને નિર્મમ હત્યા કરી નાખી હતી. સમગ્ર ઘટનાની જાણ કેશોદ પોલીસને થતા પોલીસે ઘટનાસ્થળ પરથી પરણીત મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કેશોદ સરકારી હોસ્પિટલે મોકલ્યો છે. હત્યાના આરોપમાં મૃતક મહિલાના પતિની અટકાયત કરીને કાર્યવાહી શરૂ કરી છે.
પતિ-પત્ની વચ્ચે ખટરાગ: મૃતક મહિલાના લગ્ન કોયલાણા ગામના જીતેન્દ્રસિંહ સાથે આજથી 21 વર્ષ પૂર્વે થયા હતા. પાછલા કેટલાક સમયથી મૃતક મહિલા અને તેના પતિ વચ્ચે ખટરાગ ચાલી રહ્યો હતો. શંકાની સોય એટલી મગજમાં ઘૂસી ગઈ કે પતિએ ગુસ્સામાં કુહાડાના ઘા ઝીંકીને પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
'પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલો ખટરાગ અચાનક ગઈ કાલે સાંજે ખૂબ જ હિંસક બની ગયો. જેમાં આરોપી પતિએ તેની પત્નીની હત્યા કરી છે. પોલીસે આરોપીની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.' - બી સી ઠક્કર, વિભાગીય પોલીસ અધિક્ષક
આરોપી પતિની અટકાયત: જેમાં ગઈકાલે સાંજના સમયે અચાનક ખૂબ જ હિંસક વળાંક આવી જતાં પતિએ પત્નીની નિર્મમ હત્યા કરી હતી. કેટલાક સૂત્રો પરથી માહિતી મળી રહી છે કે પતિ-પત્ની વચ્ચે કેટલીક સામાજિક બાબતોને લઈને ઝગડો ચાલી રહ્યો હતો. જેમાં કેટલાક વિજાતીય પાત્રો પણ સામેલ હોઈ શકે છે. સમગ્ર ઘટનામાં મૃતક મહિલાના ભાઈએ તેના બનેવી વિરુદ્ધ કેશોદ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી પતિની અટકાયત કરીને કાર્યવાહી શરૂ કરી છે.