જૂનાગઢ: માર્કેટિંગ યાર્ડ ટામેટાનો બજાર ભાવમાં ઐતિહાસિક વધારા અને ઘટાડાનું સાક્ષી બની રહ્યું છે. આજથી દસ દિવસ પૂર્વે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં જથ્થાબંધ ટમેટાનો પ્રતિ એક કિલોનો ભાવ યાર્ડના ઇતિહાસમાં સર્વોચ્ચ 180 રૂપિયા પ્રતિ કિલો નોંધાયો હતો. જેમાં આજે દસ દિવસ બાદ ફરી એક વખત વખત ઐતિહાસિક સ્તરમાં ઘટાડો જોવા મળ્યો છે. આજે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં પ્રતિ એક કિલો ટમેટાનો જથ્થાબંધ ભાવ 130 ઘટીને માત્ર 50 રૂપિયા સુધીનો જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં હજુ પણ ટામેટાની આવક વધતા તેમાં 10 થી 20 રૂપિયાનો ઘટાડો નોંધાઈ શકે છે.
બહારની આવક થઈ શરૂ: ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં વરસાદને કારણે ટામેટાનો પાક નિષ્ફળ થયો. જેને કારણે સ્થાનિક બજારની સાથે મહારાષ્ટ્ર અને બેંગ્લોર તરફથી આવતા ટમેટાની આવક પણ ખૂબ જ મર્યાદિત બની જેને કારણે બજારમાં ટમેટાની અછત ઊભી થતા તેના ભાવમાં ઐતિહાસિક વધારો જોવા મળતો હતો. પરંતુ હવે બેંગલોર અને મહારાષ્ટ્ર સહિત ગુજરાતની સ્થાનિક બજારોમાંથી ટમેટાની આવક થઈ રહી છે. જેની પ્રતિકૂળ અસર જથ્થાબંધ બજાર ભાવ પર પડી રહી છે. જેને કારણે જથ્થાબંધ બજારમાં પ્રતિ એક કિલો ટમેટાનો ભાવ 130 રૂપિયા સુધીનો ઘટીને સામે આવ્યો છે.
"જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ટમેટાના બજાર ભાવમાં ઐતિહાસિક વધારા અને ઘટાડાનું સાક્ષી બન્યું છે. એક સમયે 180 રૂપિયા પ્રતિ કિલો ટમેટાનો ભાવ હોવા છતાં ટમેટા મળતા ન હતા હવે આજે અભાવમાં 130 રૂપિયા પ્રતિ કિલોનો ઘટાડો થતાં ટામેટા મળી રહ્યા છે. જેમાં હજુ પણ આગામી દિવસોમાં પ્રતિ કિલોએ 10 થી 20 રૂપિયાનો ઘટાડો નોંધાઈ શકે છે."-- અશ્વિનભાઈ (ટમેટાના વેપારી માર્કેટિંગ યાર્ડ)
એપીએમસીના અધિકારીએ આપી વિગતો: જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના શાકભાજી વિભાગના ઇન્સ્પેકટર હરેશભાઈએ ઇટીવી ભારત સાથે વાતચીત કરી હતી તેમ જણાવ્યું હતું કે "હાલ જથ્થાબંધ બજારમાં ટામેટા 50 રૂપિયાની આસપાસ પ્રતિ એક કિલોએ વહેંચાઈ રહ્યા છે જેની સાથે અન્ય શાકભાજી જેવી કે ગવાર ભીંડા દુધી કારેલા રીંગણ મરચા તુરીયા અને કોબી જેવી શાકભાજીના ભાવોમાં પણ હવે ઘટાડો નોંધાઈ રહ્યો છે. તેની પાછળ સ્થાનિક બજારમાં શાકભાજી જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યું છે. જેની હકારાત્મક અસરો ટમેટાના બજાર ભાવની સાથે અન્ય શાકભાજી પર પણ જોવા મળી રહી છે. એકમાત્ર રીંગણ 100 રૂપિયા પ્રતિ કિલો ની આસપાસ જોવા મળે છે. બાકી અન્ય શાકભાજી 30 થી લઈને 80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વહેંચાઈ રહ્યા છે."