જૂનાગઢઃ મહાશિવરાત્રિના મેળાનો આજથી વિધિવત્ પ્રારંભ થયો છે. ત્યારે આજે સનાતન ધર્મ સંસ્કૃતિની પ્રાચીન પરંપરા મુજબ, મેળાના પ્રથમ દિવસે મહાદેવજીને હાંડીનો પ્રસાદ ધરાવીને નાગા સંન્યાસીઓએ મેળાનો શુભારંભ કર્યો હતો. સનાતન ધર્મની પરંપરા મુજબ, આ પ્રકારનું હાંડીનો પ્રસાદ સૌપ્રથમ વખત ભગવાન જગન્નાથજીને અર્પણ કરાયો હતો તેવી ધાર્મિક માન્યતા આજે પણ જોવા મળે છે.
આ પણ વાંચોઃ Mahashivratri 2023 : મહાશિવરાત્રીના મેળામાં પ્રથમ વખત કિન્નર અખાડાનું સ્થાપન
મહાદેવને ધરાયો 56 ભોગ હાંડીનો પ્રસાદઃ નાગા સંન્યાસીઓએ પરંપરા મુજબ મહાદેવજીને 56 ભોગ હાંડીનો પ્રસાદ ધરાવ્યો હતો. ભવનાથમાં સમગ્ર દેશ અને દુનિયામાંથી આવેલા નાગા સંન્યાસીઓ પાંચ દિવસ સુધી દેવાધીદેવ મહાદેવની નિશ્રામાં અલખને ઓટલે ધૂણી ધખાવીને ગુરૂદત્ત મહારાજની સાથે મહાદેવની સ્તુતિ પૂજન અને અર્ચન કરતા જોવા મળશે. આ વિશેષ પરંપરા મુજબ ભવનાથમાં આવેલા નાગા સંન્યાસીઓએ મહાદેવને 56 ભોગ હાંડીનો પ્રસાદ ધરાવીને મેળાની શરૂઆત કરી છે.
ગંગાજળ દૂધ અને સુકા મેળવવાથી બને છે હાંડીઃ હાંડીનો મહાપ્રસાદ પરંપરાગત રીતે સમગ્ર વિશ્વમાં પ્રથમ વખત ભગવાન જગન્નાથજીને અર્પણ કરાયો હતો. ત્યારથી આ 56 ભોગ હાંડીના પ્રસાદનું ધાર્મિક મહત્વ જોવા મળે છે. હાંડી બનાવતી વખતે તેમાં પવિત્ર ગંગાજળ, દૂધ, ચોખા, સાકર, કાજુ, બદામ, કિસમીસ, અખરોટ, કોપરું, ઈલાયચી, અંજીર અને મખના મેળવીને પરંપરાગત રીતે હાંડીનો પ્રસાદ બનાવવામાં આવે છે. પ્રસાદ ધૂણા પર તૈયાર કરવામાં આવે છે. માટીના મટકામાં આ તમામ ચીજવસ્તુઓને એકઠી કરીને 5થી 10 કલાક સુધી સતત તેને ધૂણા પર રાખવામાં આવે છે અને અંતે હાંડીનો મહાપ્રસાદ તૈયાર થાય છે. જે કહેવાય છે કે, જગતના નાથ અને મહાદેવને અતિપ્રિય છે. તેથી મેળાના પ્રથમ દિવસે હાંડીનો પ્રસાદ ખૂબ મહત્વ ધરાવે છે.
આ પણ વાંચો Maha Shivratri 2023 : હર હર મહાદેવના નાદ સાથે મહાશિવરાત્રી મેળાનો થયો શુભ આરંભ
હાંડીનો મહાપ્રસાદ આરોગ્ય માટે ઉત્તમઃ હાંડીના મહાપ્રસાદને લઈને ઓરિસ્સાથી આવેલા નાગા સંન્યાસીઓએ તેમનું વર્ણન કરતાં જણાવ્યું છે કે, હાંડીનો મહાપ્રસાદ સૌપ્રથમ વખત જગન્નાથજીને અર્પણ કરાયો હતો. ત્યારે આ પ્રસાદનું કેટલું ધાર્મિક અને આરોગ્યની દ્રષ્ટિએ મહત્વ હશે તે માની શકાય છે. શિવરાત્રિના દિવસો દરમિયાન પરંપરાગત રીતે અને દેવોની નિશ્રામાં તૈયાર થયેલો હંડીનો આ પ્રસાદ નાગા સંન્યાસીઓની સાથે સાધુસંતો અને કોઈ પણ સંસારી જીવ માટે આરોગ્ય વર્ધક જડીબુટ્ટીનું કામ કરે છે.
તમામ પ્રકારના રોગથી મળે છે રક્ષણઃ તેમણે ઉંમેર્યું હતું કે, પ્રાચીન માન્યતા અનુસાર, વર્ષમાં શિવરાત્રિના તહેવાર દરમિયાન કોઈપણ શિવભક્ત કે વ્યક્તિઓ દ્વારા જો પરંપરાગત રીતે અને ખાસ કરીને જ્યાં દેવોનો વાસ હોય તેવા વિસ્તારમાં હાંડીને તૈયાર કરીને પ્રસાદ તરીકે આરોગવામાં આવે તો તમામ પ્રકારના રોગોથી રક્ષણ મળે છે સાથે સાથે આખા વર્ષ ભર જીવવાની શક્તિ આ હાડી પૂરી પાડે છે, જેથી ભગવાન જગન્નાથજીની સાથે મહાદેવને પણ હાંડી અર્પણ કરવાનું વિશેષ ધાર્મિક મહત્વ જોવા મળે છે.