જૂનાગઢઃ કોરોના વાઈરસના વધતા જતા પ્રભાવને લઈને ગુરૂ ગોરખનાથ આશ્રમ મજૂરોની વહારે આવ્યો છે. પલાયન કરીને જઇ રહેલા પરપ્રાંતના મજૂરોને જ્યાં સુધી પરિસ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી તમામ લોકો માટે ભોજન પ્રસાદના આશરાની તૈયારી દર્શાવી છે. જેને લઇને પલાયન કરતા મજૂરોમાં પણ હવે આશાનું કિરણ જોવા મળી રહ્યું છે. જે પ્રકારે કોરોના વાઈરસ હાહાકાર મચાવી રહ્યો છે, તેને ધ્યાને રાખીને પરપ્રાંતિય મજૂરો ખૂબ જ કપરા અને વિકટ સમયમાંથી પસાર થઇ રહ્યાં હતાં, ત્યારે આ પ્રકારની સેવા મજૂરોમાં અનેક ઘણી આશાનો સંચાર કરી રહી છે.


ભવનાથના ગોરખનાથ આશ્રમે આ મજૂરોને ભોજન પ્રસાદના આશરાની જવાબદારી ઉઠાવી લેતાં હવે મજૂરો પલાયન અટકશે અને જ્યારે પરિસ્થિતિ પૂર્વવત થશે, ત્યારે આ જ મજૂરો ફરીથી જૂનાગઢ જિલ્લામાં રોજગારી મેળવીને પોતાના પરિવારનો જીવનનિર્વાહ કરશે.