જૂનાગઢઃ ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા અને તાલાળા તાલુકામાં આજે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને બરફના કરા સાથેનો વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. ગીર ગઢડા તાલુકાના શાણા વાકિયા બેડીયા નીતલી અને તાલાલા તાલુકાના બોરવાવ સુરવા આકોલવાડી સહિત ગીર કાંઠા વિસ્તારના ગામોમાં કેટલીક જગ્યા પર હળવા છાંટા પડ્યા હતા.
આ પણ વાંચોઃ Onion Potato Prices : ડુંગળીના પાકથી ખેડૂતોની આંખમાં પાણી, સરકાર સહાય આપે : કિસાન સંઘ
કરા પડ્યાઃ કેટલીક જગ્યા પર બરફના કરા સાથેનો કમોસમી વરસાદ પડતા ખેડૂતોનો જીવ તાળવે ચોંટી ગયો છે. પાછલા એક અઠવાડિયા દરમિયાન હવામાન વિભાગે પણ કમોસમી વરસાદ થવાની શક્યતાઓ દર્શાવી હતી તે મુજબ આજે બરફ સાથે માવઠું થતા ખેતી પાકોને બચાવવાને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. ગીર સોમનાથ બાદ જૂનાગઢ જિલ્લામાં પણ કેટલાક તાલુકામાં વરસાદ પડ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે.
વાદળછાયું હવામાનઃ માણાવદર વિસાવદર અને જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારોમાં પાછલા 48 કલાકથી સતત વાદળછાયુ અને ચોમાસા જેવો માહોલ હોય તે પ્રકારનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે. ગઈકાલે પણ જુનાગઢ શહેરમાં છાંટા ખરતા જોવા મળ્યા હતા ત્યારે બપોરે પણ અચાનક વરસાદના થોડા છાંટા ખર્યા હોવાના સમાચાર મળ્યા હતા. તો માણાવદર અને ખાસ કરીને અમરેલી જિલ્લા ની બોર્ડર સાથે જોડાયેલા વિસાવદર તાલુકાના કેટલા ગામોમાં પણ કમોસમી વરસાદ પડ્યાના અહેવાલો મળી રહ્યા છે.
આ પણ વાંચોઃ Unseasonal Rain: પાટણમાં વર્ષો પછી કરા સાથે વરસ્યો વરસાદ, વાહનવ્યવહાર ઠપ્પ
પાકને નુકસાનઃ વિસાવદર અને માણાવદર તાલુકામાં જે કમોસમી વરસાદ થયો છે તેને લઈને જે વિસ્તારમાં વરસાદ પડ્યો છે ત્યાં કૃષિ પાકોને નુકસાન થાય તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી. બીજી બાજુું રવિવારે સાંજના સમયે અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ થયો હતો. જાફરાબાદ તાલુકાના દુધાળા ગામના રહેણાંક મકાન ઉપર વીજળી પડતા ગાબડું પડ્યું હતું. છત ઉપર ગાબડું પડતા ભારે દોડધામ મચી ગઈ હતી. અગાસી ઉપર રહેલી ટીવી ડીશ અને સ્લેબમાં નુકસાન અફડાતફડી મચી હતી. રાજુલા જાફરાબાદ પંથકમાં ધીમીધારે સતત વીજળીના કડાકા સાથે વરસાદ થયો હતો.