જૂનાગઢઃ ગુજરાતમાં સરકારી શાળાઓ અને અનુદાનિત સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને યોગ્ય અને પૂરતુ શિક્ષણ ન મળી રહેવા પાછળ રાજ્ય સરકારનું ઢીલું વલણ અને સમયસર નિર્ણય ન કરવાની આળસને જવાબદાર ગણાવી રહ્યા છે શિક્ષણ વિભાગના વર્તમાન સીનિયર સભ્ય ડૉ. પ્રિયવદન કોરાટ. રાજ્ય સરકારના આ વલને પરિણામે સરકારી અને અનુદાનિત સરકારી શાળાઓનો મૃત્યુઘંટ વાગવાનો આક્ષેપ પણ ડૉ. કોરાટ કરી રહ્યા છે.
ખાનગી શાળાને પ્રોત્સાહનનો મલિન ઈરાદોઃ દરેક બાળકને મફત શિક્ષણ મળી રહે તે તેનો મૂળભૂત અધિકાર છે અને રાજ્ય સરકારની ફરજ છે. જો કે રાજ્ય સરકાર પર વાકપ્રહાર કરતા ડૉ. ઈન્દ્રવદન કોરાટનું માનવું છે કે રાજ્ય સરકાર મફત શિક્ષણના અધિકારને છીનવી રહી છે. રાજ્ય સરકાર સરકારી પ્રાથમિક શાળાઓમાં બીજી શાળાનો સમાવેશ કરીને ગામડામાંથી પ્રાથમિક શાળાની સંખ્યા ઓછી કરી રહી છે. ગરીબ અને મધ્યમ વર્ગના ગામડામાં વસતા બાળકોને શિક્ષણ મળી રહે તે માટે પૂર્વ સરકારોએ પ્રાથમિક અને માધ્યમિક સરકારી શાળાઓ ઊભી કરી હતી. જેને આ સરકાર ઓછી કરી રહી છે. જો કે ડૉ. કોરાટ તેની પાછળ રાજ્ય સરકારનો ખાનગી શાળાઓને પ્રોત્સાહન આપવાનો મલિન ઈરાદો હોવાનો મત વ્યક્ત કરે છે.
સરકારની ઉદાસીનતાઃ ડૉ. કોરાટે રાજ્યની સરકારી શાળા અને અનુદાનિત સરકારી શાળાઓમાં શિક્ષકો, આચાર્યો અને વહીવટી સ્ટાફની કમી હોવાનું જણાવીને શા માટે સરકાર ભરતી કરતી નથી તેવા સવાલો ઊભા કર્યા હતા. રાજ્યની 5000 કરતાં વધુ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અનેક જગ્યાઓ પર ભરતી થતી નથી. 25000થી વધુ શિક્ષકોની ભરતી બાકી હોવાનું ડૉ. કોરાટ જણાવી રહ્યા છે. રાજ્ય સરકાર 11 માસના કરાર આધારિત પ્રવાસી શિક્ષકોની ભરતી યોજના લાવી હતી. જેમાં નિમણુક સમયે અને નિમણુક થયા બાદ શિક્ષકો નોકરી છોડીને જતા રહ્યા છે તેથી વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ મળી ન રહ્યું હોવાનું ડૉ. પ્રિયવદન જણાવે છે. સરકાર શિક્ષિત બેરોજગારોને અન્યાય કરી રહી હોવાનો આક્ષેપ કરતા ડૉ. કોરાટે જણાવ્યું કે, ઘણી શાળામાં પટાવાળો શાળા ખોલે અને બીજું કોઈ હોય નહિ તેથી તે જ બાળકોને વર્ગમાં બેસાડે જ્યારે બીજી શાળાઓમાં પટાવાળો ના હોય તેથી શિક્ષક જ શાળા ખોલે, બંધ કરે અને સફાઈ કરે. આ સ્થિતિમાં બાળકોને ક્યાંથી યોગ્ય શિક્ષણ મળી રહે તેવો માર્મિક અને વેધક સવાલ ડૉ. કોરાટ કરી રહ્યા છે.
વર્તમાનમાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ આપતી સરકારી શાળાઓ શિક્ષક, વહીવટી સ્ટાફના અભાવને લીધે બંધ થઈ રહી છે. જો સરકાર સમયસર પગલા નહિ લે તો હાલ ગુજરાતનું શિક્ષણ ઊંડી ખાઈ તરફ જઈ રહ્યું છે તેને બહાર કાઢતા વર્ષો વીતી જશે. અમારી અનેક રજૂઆતોને સરકાર કોઈ યોગ્ય પ્રતિસાદ આપતી નથી...ડૉ. પ્રિયવદન કોરાટ(સીનિયર સભ્ય, શિક્ષણ બોર્ડ, જૂનાગઢ)