રાજ્યના સુરત અને બરોડા મનપાના સત્તાધીશો સ્ટેટસવાળા મોંઘા મોબાઇલની ખરીદીને લઇને વિવાદમાં આવ્યા છે. સમગ્ર મામલામાં હવે રાજકારણ પણ થતું જોવા મળી રહ્યું છે. તો જે તે વિસ્તારના લોકોમાં પણ પદાધિકારીઓ દ્વારા આવા ખર્ચાને લઈને કચવાટ જોવા મળી રહ્યો છે. પરંતુ જૂનાગઢ મનપાના સત્તાધીશોએ પ્રજાના પૈસે આવી સવલત નહીં સ્વીકારવાનો આવકારદાયક નિર્ણય કરીને જૂનાગઢની પ્રજા દ્વારા ચૂકવવામાં આવતા ટેક્સના રૂપિયાને બચાવીને આ રૂપિયા વિકાસના કામોમાં વાપરવાનો નિર્ણય કર્યો છે.
જૂનાગઢ મનપાના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શાસક પક્ષના નેતા વિરોધ પક્ષના નેતા દંડક તેમજ કમિશ્નર અને નાયબ મ્યુનિસિપલ કમિશ્નર સહિત મોટાભાગના અધિકારીઓ તેમના વ્યક્તિગત મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહ્યા છે. તેમજ આ ફોન વપરાશ થાય છે તેનો ખર્ચ પણ પોતાના ખિસ્સામાંથી ભોગવી રહ્યા છે. આમ જૂનાગઢ મનપાને મોબાઇલ ફોનના ઉપયોગ અને ફોનના હેન્ડસેટ માટે પ્રજાએ ચૂકવેલા કરવેરામાંથી આવી સુવિધાઓ ઉભી કરવાની જરૂર પડી નથી. જૂનાગઢ મનપાના સત્તાધીશોએ એવી નેમ વ્યક્ત કરી છે કે, જ્યાં સુધી અમે સતા પર રહીશું ત્યાં સુધી મોબાઈલનો તમામ ખર્ચ અમે અમારા વ્યક્તિગત ધોરણે ભોગવશું .
સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ અને તેમાં પણ મહાનગરપાલિકા અને નગરપાલિકાના પદાધિકારીઓ પાછળ કરવામાં આવતો ખર્ચ લોકો દ્વારા ટેક્સના ભાગરૂપે મનપા કે નગરપાલિકાને આપવામાં આવતો હોય છે, ત્યારે જૂનાગઢ મનપાના સત્તાધીશોએ પ્રજાના પૈસાનો યોગ્ય જગ્યાએ ઉપયોગ થાય તે માટે મનપા દ્વારા પૂરા પાડવામાં આવતા મોબાઇલ ફોન અને તે પાછળ થતો તમામ ખર્ચ નહીં સ્વીકારીને એક અનુકરણીય પગલું ભર્યું છે. મોબાઇલ નહીં સ્વીકારીને જે રૂપિયાની બચત થશે તે રૂપિયાને વિકાસના કામો પાછળ ખર્ચવાનો જૂનાગઢ મનપાના પદાધિકારીઓ એ નિર્ણય કર્યો છે.