ઉનાળાની ઋતુ તેની ચરમસીમા પર જોવા મળી રહી છે આકરી ગરમીથી સૌ કોઇ ત્રાહિમામ પોકારી ગયા છે જેને લઇને ગરમીથી બચવા માટે લોકો અવનવા પ્રયાસો કરતા હોય છે ત્યારે આ આકરી ગરમીમાં ભગવાનને ગરમી ન લાગે તેને લઈને તેની ખાસ કાળજી રાખવામાં આવી રહી છે. સ્વામિનારાયણ મંદિર દ્વારા ભગવાનને ગરમીથી રક્ષણ મળે તેને લઈને ખાસ પ્રકારના ચંદનના વાઘા બનાવવામાં આવી રહ્યા છે.
વહેલી સવારે 5 વાગ્યે ભગવાનને ચંદનના વાઘાનો શણગાર કરીને સમગ્ર દિવસ દરમિયાન ભગવાનનું ગરમીથી રક્ષણ થાય અને ચંદનના વાઘાના અલૌકિક દર્શન હરિભક્તોને મળી રહે તે માટે ખાસ આયોજન સ્વામિનારાયણ મંદિર દ્વારા કરવામાં આવ્યું છે જેનો સૌ હરિભક્તો ભારે ધાર્મિક આસ્થા સાથે લાભ લઇ રહ્યા છે.
જવાહર રોડ સ્વામિનારાયણ મંદિર દ્વારા અખાત્રીજથી વૈશાખી અમાસ સુધી ભગવાનને દરરોજ ચંદનના વાઘાનો શણગાર કરવામાં આવે છે આના માટે ભક્તો વહેલી સવારે અને આખો દિવસ ચંદનને ઘસીને ભગવાનના વાઘા તૈયાર કરવાના કામમાં જોતરાઈ જાય છે. આખા દિવસ દરમિયાન બે થી ત્રણ કિલો જેટલું ચંદન ઘસીને તેનો ૧૫ લીટર કરતાં પણ વધુનો લેપ તૈયાર કરવામાં આવે છે. આ લેપ ભગવાનને પ્રસાદ સ્વરૂપે અર્પણ કરવામાં આવે છે અને તેને વાઘાનુ સ્વરૂપ આપવામાં આવે છે. જેથી આ કારમી ગરમીથી ભગવાનને રક્ષણ મળે તેમજ હરિભક્તોને એક અનોખા દર્શન થાય તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે.