જૂનાગઢ: આદી અનાદિ કાળથી થતી પાવનકારી ગિરનારની લીલી પરિક્રમાનો આજે વિધિવત રીતે પ્રારંભ થયો છે. સામાન્ય રીતે કારતક મહિનાની અગિયારસની મધ્યરાત્રિએ ગિરનારની પરિક્રમા શરૂ થતી હોય છે. પરંતુ ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓની ભવનાથ ક્ષેત્રમાં હાજરીને કારણે પરિક્રમાનો માર્ગ 24 કલાક પૂર્વે ખોલી દેવામાં આવ્યો હતો.
ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ: જય ગિરનારીના નાદ સાથે પરિક્રમા વિધિવત રીતે શરૂ થયેલી જોવા મળી હતી. પાછલા ત્રણ વર્ષ દરમિયાન પરિક્રમા બિલકુલ પ્રતિકાત્મક રીતે કરવામાં આવતી હતી પરંતુ આ વર્ષે સંપૂર્ણપણે આયોજિત થતી પરિક્રમાને લઈને પરિક્રમાર્થીઓ ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો ગિરનારની લીલી પરિક્રમાનો લાહ્વો મેળવીને ગિરનારની સાથે ગુરુદત્ત મહારાજની કૃપા પ્રાપ્ત કરતા હોય છે. ગિરનારની લીલી પરિક્રમાને ધર્મ અને પુણ્યના ભાથા સાથે પણ સરખાવવામાં આવે છે. ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ પ્રાપ્ત થતો હોવાથી ખૂબ મોટી સંખ્યામાં લોકો પરિક્રમા કરવા માટે આવતા હોય છે.
અન્ય રાજ્યોમાંથી પણ આવે છે લોકો: ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા પારંપરિક રીતે સૌરાષ્ટ્રના અને ગુજરાતના લોકો કરતા હોય છે. પરંતુ પાછલા કેટલાક વર્ષોની સરખામણીએ ખાસ કરીને યુવાનો અને અન્ય રાજ્યના પરિક્રમાર્થીઓની સંખ્યા પણ ખૂબ જોવા મળે છે. ખાસ કરીને યુવાનોમાં ગિરનારની લીલી પરિક્રમાને લઈને વધુ ઉત્સાહ જોવા મળે છે. સાથે મહારાષ્ટ્રથી મોટી સંખ્યામાં પરિક્રમાથીઓ પરિક્રમા કરવા માટે ગિરનાર ક્ષેત્રમાં આવતા હોય છે.
પોલીસ પણ સજ્જ: પરિક્રમાને લઈને પોલીસ પણ પોતાની ફરજ ઉપર પહોંચી ચુકી છે. પરિક્રમામાં દર વર્ષ 8થી 9 લાખ જેટલા યાત્રિકો 5 દિવસ માટે અહીં આવતા હોય છે. તેઓની સુરક્ષા માટે ગિરનાર પરિક્રમાને 6 ઝોનમાં વહેંચવામાં આવેલ છે જેમાં 8 ડીવાયએસપી, 18 પીઆઇ, 110 પીએસઆઇ સહિત કુલ 136 પોલીસ ઉપરાંત 136 પોલીસ જવાનો, 1726 હોમગાર્ડ, 435 જીઆઇડી, 660 કર્મીઓ સહિત કુલ 2841 કર્મીઓ સાથે પોલીસ તૈનાત રહેશે.
પરિક્રમાથીઓએ શું કહ્યું: ગિરનારની પરિક્રમા કરવા માટે આવેલા મહારાષ્ટ્રના પરિક્રમાથીઓએ તેમનો પ્રતિભાવ ETV ભારત સાથે વ્યક્ત કર્યો હતો અને પરિક્રમાને મનની શાંતિ અને શરીરની તંદુરસ્તીની સાથે આધ્યાત્મિક અનુભૂતિ માટે પણ ખૂબ જ મહત્વની ગણાવી હતી. ખાસ કરીને યુવાન લોકોએ આ પરિક્રમામાં ભાગ લઈને આધુનિક સમયમાં ભાગદોડના જીવન વચ્ચે માનસિક શાંતિનો અનુભવ કુદરતના ખોળે કરવો જોઈએ તેવું જણાવ્યું હતું. પુણેથી પરિક્રમા માટે આવેલા નિર્મલાએ જણાવ્યું હતું કે તેઓ પાછલા ચાર વર્ષથી દર વર્ષે પરિક્રમા કરવા માટે આવી રહ્યા છે. તેમની આ ચોથી પરિક્રમા છે. જ્યાં સુધી દત્ત મહારાજ અને ગિરનારીની કૃપા તેમના પર રહેશે. ત્યાં સુધી તેઓ દર વર્ષે પરિક્રમા કરવા માટે પુનાથી ચોક્કસ ભવનાથ આવશે.