ગીર સોમનાથ : આ વર્ષથી અમલમાં આવેલી નવી શિક્ષણ નીતિને કારણે ગીર સોમનાથ જિલ્લામાં માત્ર 492 જેટલા વિદ્યાર્થીઓએ પહેલા ધોરણમાં પ્રવેશ મેળવ્યો છે. જે ગત વર્ષની સરખામણીએ 98 ટકા જેટલો ઓછો જોવા મળે છે. આ વર્ષે 11,455 જેટલા વિદ્યાર્થીઓને બાલ વાટિકામાં પ્રવેશ આપવામાં આવ્યો છે. નવી શિક્ષણ નીતિને લઈને પ્રાથમિક શાળામાં ધોરણ એકના વિદ્યાર્થીઓની સંખ્યામાં ખૂબ જ ઘટાડો નોંધાયો છે.
નવી શિક્ષણ નીતિનો અમલ શરૂ : નવા શૈક્ષણિક સત્રથી નવી શિક્ષણ નીતિ અમલમાં આવી છે. જે અંતર્ગત છ વર્ષ પૂર્ણ કરેલા વિદ્યાર્થીઓને પહેલાં ધોરણમાં પ્રવેશ આપવો તેવી નીતિનું નિર્ધારણ થયું છે. છ વર્ષ કરતાં ઓછી આયુ ધરાવનાર તમામ વિદ્યાર્થીઓને બાલ વાટિકામાં પ્રવેશ આપવામાં આવે તેમ નવી શિક્ષણ નીતિમાં સામેલ કરાયું છે. જે અંતર્ગત વર્ષ 2023 24ના વર્ષમાં ગીર સોમનાથ જિલ્લાની 546 જેટલી પ્રાથમિક શાળાઓમાં માત્ર 492 જેટલા વિદ્યાર્થીઓએ પહેલા ધોરણમાં પ્રવેશ મેળવ્યો છે. જે ગત વર્ષની સરખામણીએ 98ટકા જેટલો ઓછો જોવા મળે છે. નવી શિક્ષણ નીતિ અંતર્ગત આ વર્ષે 11,455 જેટલા વિદ્યાર્થીઓને બાળ વાટિકામાં પ્રવેશ આપવામાં આવ્યો છે. આ તમામ વિદ્યાર્થીઓની આયુ છ વર્ષ કરતાં ઓછી હોવાને કારણે તેઓ પહેલા ધોરણમાં અભ્યાસ માટે એડમિશન મેળવી શક્યા નથી.
નવી શિક્ષણ નીતિને કારણે આ વર્ષે પહેલા ધોરણ અને બાલ વાટિકામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં ચિંતાજનક છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પહેલા ધોરણમાં પ્રવેશ મેળવવા માટે આવેલા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો નવી શિક્ષણ નીતિના ચોક્કસ અને ખાતરીપૂર્વક અમલીકરણમાં ક્યાંક કચાશ રહી ગઈ હોય તે પ્રકારનો માહોલ વિદ્યાર્થીઓના વાલીમાં જોવા મળે છે. ગત વર્ષે 19,098 જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. તો આ વર્ષે 11,947 જેટલા વિદ્યાર્થીઓએ બાલ વાટિકા અને ધોરણ એકમાં પ્રવેશ મેળવ્યો છે. જેની સંખ્યા ગત વર્ષ કરતાં 7,151 જેટલા વિદ્યાર્થીઓનો ઘટાડો સૂચવે છે. જેને લઈને શાળાના શિક્ષકો અને વાલીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે. - (પ્રાથમિક શાળાના શિક્ષકો)
ગત વર્ષની સરખામણીએ સંખ્યામાં ઘટાડો : ઉલ્લેખનીય છે કે, ગત વર્ષ 19,098 જેટલા વિદ્યાર્થીઓએ પહેલા ધોરણમાં અભ્યાસ માટે પ્રવેશ મેળવ્યો હતો, ત્યારે આ વર્ષે માત્ર 492 વિદ્યાર્થીઓએ પહેલા ધોરણમાં અને 11,455 વિદ્યાર્થીઓએ બાલ વાટિકામાં પ્રવેશ મેળવ્યો છે. ગત વર્ષના પહેલા ધોરણની સંખ્યાને આધારે સરખામણી કરીએ તો આ વર્ષે થયેલા એડમિશનની કુલ સંખ્યામાં પણ 7,151 વિદ્યાર્થીઓનો ખૂબ જ મોટો ઘટાડો જોવા મળે છે. જેને કારણે વિદ્યાર્થીઓના વાલીની સાથે શાળાના શિક્ષકો ચિંતામાં જોવા મળી રહ્યા છે.