અરબી સમુદ્રમાં આકાર લઈ રહેલા અને દીવ વેરાવળ અને પોરબંદર તરફ આગળ વધી રહેલા વાયુ નામનું વાવાઝોડું ગુજરાતના બંદરો પર ત્રાટકે તેવી શક્યતાઓ હતી. સદનસીબે વાવાઝોડાએ દિશા બદલતા હવે તે ઓમાન તરફ આગળ વધી રહ્યું છે પરંતુ વાયુ વાવાઝોડાને કારણે દરિયામાં ભારે અસર જોવા મળી હતી. જેના પગલે દરિયામાં બેથી પાંચ મીટર જેટલા ઊંચા મોજા ઉછળી રહ્યા હતા. જે સામાન્ય કરતા ખૂબ મોટા માનવામાં આવી રહ્યા હતા. મહાભારતકાળના સમયમાં દીવના દરિયાકાંઠે વનવાસ દરમિયાન પાંડવો દ્વારા અહીં સ્થાપવામાં આવેલું ગંગેશ્વર મહાદેવ પણ બિલકુલ દરિયાને સમીપ છે ત્યારે દરિયામાં ભારે કરંટ હોવાને કારણે મહાદેવ પણ દરિયાના પાણીમાં ગરક થઈ ગયા હતા.
ધાર્મિક માન્યતા મુજબ અહીં પાંડવો વનવાસ દરમિયાન આવ્યા હતા અને પાંચે ભાઈઓ શિવલિંગનું સ્થાપન કરીને તે મહાદેવને ગંગેશ્વર મહાદેવ નામ આપ્યું હતું. જે તે સમયે ગંગેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવી ત્યારે દરિયો અહીંથી ખૂબ દૂર હતો. પરંતુ સમયાંતરે અને કાળક્રમે દરિયાનો વિસ્તારમાં વધારો થતા ગંગેશ્વર મહાદેવ હવે દરિયાની બિલકુલ સમીપ થયા હતા. દરિયામાં કરંટ અને ઉંચા મોજા હોવાને કારણે ગંગેશ્વર મહાદેવ દરિયામાં ગરક થઇ ગયા હતા.