આશરે 5000 વર્ષ પુરાણું ગંગેશ્વર મહાદેવ મંદિરનું સ્થાપન પ્રાચીન કાળમાં પાંડવોના વનવાસ દરમિયાન કરવામાં આવ્યું હોવાનું મનાય છે. દિવના દરિયાકાંઠે કોઇ શિવમંદિર નહીં હોવાને કારણે પાંડવો દ્વારા અહીં તેમના શરીરના કદ પ્રમાણે શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી. અહીં ભોળાનાથ ગંગેશ્વર મહાદેવ તરીકે પૂજાય છે. સોલંકી યુગમાં સ્થપાયેલા આ મંદિરમાં પ્રાચિન કાળથી કોઇ પૂજારી ન હોવાને કારણે અહીં આવતા દર્શનાર્થીઓ ગંગેશ્વર મહાદેવની મુક્ત મને પૂજા કરે છે અને અહીં દૂર-દૂરથી ભક્તો દર્શનાર્થે આવે છે.
ગંગેશ્વર મહાદેવનો ઉલ્લેખ સ્કંધ પુરાણમાં પણ કરવામાં આવ્યો છે. જ્યાં મહાદેવને ખુદ મેરામણ અભિષેક કરવા તલપાપડ હોય તેવું પ્રાચીન અને વિશ્વનું એક માત્ર મંદિર જ્યાં ભક્તોની વર્ષ દરમિયાન દર્શન માટે લાંબી કતારો લાગે છે.