જૂનાગઢઃ કોરોના વાઇરસના પોઝિટિવ કેસમાં સતત વધારાને કારણે સમગ્ર મનપા તંત્ર નિષ્ક્રિય જોવા મળ્યું હતું. શુક્રવારે બોલાવવામાં આવેલા જનરલ બોર્ડમાં વધી રહેલા કોરોના સંક્રમણને લઈને કોઈ પણ ચર્ચાઓ નહીં કરવામાં આવતા જૂનાગઢના પૂર્વ મેયર અને બુદ્ધિજીવીઓએ મનપાના શાસકો પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.
જૂનાગઢમાં કોરોના અપડેટ
- કુલ મૃત્યુ- 1
- સ્વસ્થ થયેલા દર્દીઓ- 47
- સક્રિય કેસ- 28
- કુલ ટેસ્ટ- 13,916
- ક્વોરેન્ટાઈન- 1,422
શુક્રવારે જૂનાગઢ મનપાની સામાન્ય સભા યોજવામાં આવી હતી. લોકડાઉન બાદ ત્રણ મહિના પછી જનરલ બોર્ડ મળ્યું હતું. જેમાં સફાઈ, રોડ, ગટર, સ્ટ્રીટ લાઈટ અને પીવાના પાણી જેવા પ્રશ્નોને શાસક અને વિરોધ પક્ષ દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા. જેને લઈને બોર્ડમાં ભારે આક્ષેપ-પ્રતિઆક્ષેપની વચ્ચે રાજકીય ઉત્તેજના સાથે બે કલાકની લાંબી ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં ભાજપ અને વિરોધ પક્ષના કોર્પોરેટરો પણ જોડાયા હતા. આ ચર્ચાને અંતે તોતિંગ બહુમતીના જોરે સત્તાધારી ભાજપે તમામ પ્રશ્નનો પર મંજૂરીની મહોર લગાવવામાં સફળતા મેળવી હતી.
હાલ સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢમાં પણ કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો છે. તેને લઈને 60 પૈકી એક પણ કોર્પોરેટર દ્વારા ચર્ચાઓ તો ઠીક પરંતુ કોરોના વાઇરસની વકરતી જતી પરિસ્થિતિનો ઉલ્લેખ સુદ્ધા જનરલ બોર્ડમાં કરવામાં આવ્યો ન હતો. જે કારણે જૂનાગઢના પૂર્વ મેયર લાખાભાઇ પરમાર અને સામાજીક આગેવાન બટુકભાઈ મકવાણાએ આ અંગે સવાલ ઉભા કર્યા છે.
છેલ્લા એક અઠવાડિયામાં જૂનાગઢ શહેરમાં દૈનિક ધોરણે 6 કે તેથી વધુ કોરોના સંક્રમિત કેસો બહાર આવી રહ્યા છે. આવી મુશ્કેલ પરિસ્થિતીમાં જૂનાગઢના શાસકો દ્વારા શહેર અને લોકોનું હિત કોરાણે મુકીને રાજકીય એજન્ડામાં મસ્ત રહીને બોર્ડને પૂરું કરવાની ઔપચારિકતા પૂરી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, એક તરફ કોરોના વાઇરસ અને બીજી તરફ જૂનાગઢ મનપાના જનરલ બોર્ડમાં રાજકીય હિત માટે કરવામાં આવેલા આક્ષેપો બાદની ચર્ચાઓમાં જૂનાગઢની સાથે શહેરીજનોના સર્વજન સુખાય અંગે ભેદી મૌન ધારણ કરેલા કોર્પોરેટરો કેટલા અંશે જૂનાગઢનુ ભલું કરવામાં સફળ થશે, તેને લઈને હવે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.