જૂનાગઢની ગંજ બજાર દાણાપીઠમાં શનિવારે વહેલી સવારે 5 વાગ્યાના સુમારે કોઈ કારણોસર આગ લાગી હતી. જેમાં મોટું નુકસાન થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ગિરિરાજ પરર્ફ્યુમરી અને અગરબત્તીના ગોડાઉનમાં આગ લાગતા આગે ગણતરીના સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા વિસ્તારમાં ભારે અફરા તફરી મચી હતી.
આગ લાગ્યાની જાણ આ વિસ્તારના રહીશોને થતા તેમણે ફાયર વિભાગને જાણ કરી હતી. આગની ગંભીરતા અને વિસ્તારની ગીચતાને ધ્યાને લઈને ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આગને કારણે 14 જેટલા રૂમમાં રાખવામાં આવેલો અગરબત્તી અને પર્ફ્યૂમનો જ્થ્થો આગમાં બાળીને ખાખ થયો હતો.
આગને કારણે બે માળના ગોડાઉનનો પ્રથમ માલનો સ્લેબ પણ તૂટી ગયો હતો. જેથી હવે આખુ ગોડાઉન ભયજનક બની ગયું છે. આગામી દિવસોમાં તેને ઉતારી લેવાની તજવીજ પણ હાથ પર લેવી પડશે. જો મકાન ઉતારી નહીં લેવામાં આવે તો બીજી કોઈ દુર્ઘટના પણ ઘટી શકે છે. જેને લઈને આસપાસના રહીશો અને વેપારીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે.