જૂનાગઢ: જૂનાગઢમાં દરગાહના ગેરકાયદે બાંધકામને લઈને થયેલી બબાલ મામલે પોલીસ અને સ્થાનિકો વચ્ચે થયેલા પથ્થરમારો થયો હતો. જે મામલે પોલીસે ફરિયાદ નોંધી છે. જિલ્લા પોલીસ અધિક્ષકે આપેલી માહિતી અનુસાર હાલ મુખ્ય 31 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદ દાખલ: પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચેનો મામલો વધુ ગરમાતા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને ટિયરગેસનો સહારો લીધો હતો. આ દરમિયાન પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. પોલીસે પરિસ્થિતિ પર કંટ્રોલ કરીને અત્યાર સુધીમાં મુખ્ય 31 આરોપી સહિત કુલ 180 લોકો વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની અલગ અલગ કલમો નીચે કેસ દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
'ગત રાત્રિના બનાવ બાદ પોલીસ કોમ્બિંગમાં 180 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે. જે પૈકીના 31 મુખ્ય આરોપી સહિત 180 ના ટોળા સામે પોલીસે ફરિયાદ નોંધી છે. પોલીસ સીસીટીવીની ચકાસણી કરવા માટે પાંચ ટીમ બનાવીને કામ કરી રહી છે. ગઈકાલે હુમલામાં ઘાયલ થયેલા પાંચ જેટલા પોલીસ અને એસ.ટીના કર્મચારી સિવિલમાં સારવાર લઈ રહ્યા છે જ્યાં તેઓની તબિયત ભય મુક્ત બતાવવામાં આવી છે.' -રવિ તેજા વાસમસેટ્ટી, એસપી
પોલીસ પ્રોટેક્શન: ભારતીય દંડ સંહિતાની 302 307 325 142 145 151 427 અને 435 સહિત અન્ય કેટલીક કલમો અંતર્ગત મુખ્ય 31 આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. હજુ પણ કેટલાક આરોપીઓ પોલીસના કોમ્બિંગ દરમિયાન પકડાઈ તેવી પૂરી શક્યતાઓ છે. હાલ સમગ્ર જુનાગઢ શહેરના મોટાભાગના વિસ્તારોમાં પોલીસ પ્રોટેક્શન ગોઠવી દેવામાં આવ્યું છે. ગઈકાલના બનાવ બાદ એક પણ જગ્યા પર ઉશ્કેરાટ કે તોફાનની ઘટના બનમાં પામી ન હતી.
એક વ્યક્તિનું મોત: ગઈકાલે જે સમયે ઘટના ઘટી હતી ત્યારે જૂનાગઢના એક સામાન્ય નાગરિકને ખૂબ જ ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. તેમનું ટૂંકી સારવાર બાદ નિધન થયું છે. સમગ્ર મામલામાં પ્રાથમિક દ્રષ્ટિએ મૃતક વ્યક્તિને હૃદય રોગનો હુમલો આવવાથી મોત થયું હોવાનું પ્રાથમિક તારણ અને અનુમાન જૂનાગઢ પોલીસ લગાવી રહી છે. તેમ છતાં વિગતવાર પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જે વ્યક્તિનું મોત થયું છે તેનું સાચું કારણ જાણવા મળશે પરંતુ પ્રાથમિક રિપોર્ટ અનુસાર જેતે વ્યક્તિનું મોત હૃદય રોગના હુમલાથી થયું હોવાનું સામે આવ્યું છે.