- ઉબેણ નદીનું પૂજન કરીને ગામલોકોએ નદીને પ્રદૂષણ મુક્ત કરવા હાથ ધર્યુ અભિયાન
- જૂનાગઢ, પોરબંદર અને રાજકોટ જિલ્લાના 50 કરતાં વધુ ગામોમાં નદીઓ બની રહી છે પ્રદૂષિત
- ખેડૂતોની સાથે ગામલોકો પણ નદી પૂજન કાર્યક્રમમાં જોડાયા અને નદીને પ્રદૂષણ મુક્ત કરવાના લીધા શપથ
જૂનાગઢઃ ગુરુવારથી જુનાગઢ, રાજકોટ અને પોરબંદર જિલ્લાના 50 ગામોમાં નદીને પ્રદુષિત થતી અટકાવવાના મહાઅભિયાનની શરૂઆત થઈ છે. વંથલી તાલુકાના ધંધુસર ગામમાં નદીનું પૂજન કરીને નદીને પ્રદૂષણ મુક્ત રાખવાના શપથ ગામ લોકોએ લીધા હતાં. છેલ્લા એક મહિનાથી સતત વધી રહેલા નદીના પ્રદૂષણને કારણે ખેડુતોની સાથે ગામલોકો પણ ખૂબ જ મુશ્કેલીમાં જોવા મળતા હતાં. ત્યારે સામાજીક સંસ્થાઓએ નદીને પ્રદૂષણ મુક્ત કરવાની અભિયાનની શરૂઆત કરી અને એક મહિનાથી અસરગ્રસ્ત 50 ગામોની રૂબરૂ મુલાકાત લઇને નદી પ્રદૂષણ મુક્ત બને તે માટે મહા અભિયાનમાં જોડાયા હતાં. જેમાં ખેડૂતો અને ગામલોકોએ નદીનું પૂજન કરીને નદીને પ્રદૂષણ મુક્ત કરવાના શપથ લીધા હતાં.
છેલ્લા એક દસકાથી પ્રદૂષણની સમસ્યા ઘર કરી લેતા ખેડૂતો અંતે આવ્યા મેદાનમાં
જૂનાગઢ પોરબંદર અને રાજકોટ જિલ્લાના કેટલાક ગામોમાં છેલ્લા એક દસકાથી નદીઓમા પ્રદૂષણની સમસ્યા દર વર્ષે વકરતી જતી જોવા મળતી હતી. ત્યારે પ્રદુષણની સામે કેટલાક ગામ લોકોએ અને ખેડૂતોએ વાંધો ઉઠાવ્યો હતો. પરંતુ પ્રદૂષણ ફેલાવતા એકમોના માલિકો દ્વારા ખેડૂતોને કોઈ પણ પ્રકારે મચક નહીં આપતા આ પ્રદૂષણ એક દસકા બાદ ખૂબ જ ગંભીર અને વિકરાળ બની રહ્યું છે.
ત્યારે છેલ્લા એક મહિનાથી પ્રદૂષિત નદીઓને પ્રદૂષણ મુક્ત કરવાનું મહાઅભિયાન ખેડૂત હિતરક્ષક સમિતિ અને નદી બચાવો સમિતિ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતુંં. આ સમિતિના સભ્યો અસરગ્રસ્ત 50 ગામોની રૂબરૂ મુલાકાત કરીને નદીને પ્રદૂષણ મુક્ત રાખવા માટે ખેડૂતોને એકજૂટ કર્યા હતા, જેનું પરિણામ આજે જોવા મળી રહ્યું છે. વંથલી તાલુકાના ધંધુસર ગામમાં મોટી સંખ્યામાં ખેડૂતોની સાથે તેમના પરિવારના સભ્યો અને અન્ય ગામલોકો નદી પ્રદૂષણના વિરોધમાં મહાઅભિયાન પર ઉતરી આવ્યા હતા અને નદીનું પૂજન કરીને નદીને પ્રદૂષણ મુક્ત રાખવાના શપથ લીધા હતાં. જ્યાં સુધી નદી પ્રદૂષણ મુક્ત નહીં બને ત્યાં સુધી આ પ્રકારના મહાઅભિયાન વધુ આક્રમક અને વધુ કેટલાક વિસ્તારોમાં વિસ્તારવાની ખેડૂતોએ હાકલ કરી છે.