- મજુર ન મળવાને કારણે રવિ પાકોનું વાવેતર બન્યું ખૂબ મુશ્કેલ
- કોરોના સંક્રમણની અસર રવિ પાકો પર વર્તાઇ રહી છે
- ચોમાસું સીઝનમાં ખેત મજૂરો નહીં મળતા રવિ પાકોના વાવેતર પર જોવા મળી વિપરીત અસર
જૂનાગઢ: શહેરમાં કોરોના સંક્રમણની અસર હવે ખેતી પર પણ જોવા મળી રહી છે. જે પ્રકારે કોરાનો સંક્રમણને કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારે ચોમાસું પાક તરીકે જૂનાગઢ વિસ્તારમાં કપાસનું વાવેતર પાછલા કેટલાક વર્ષોથી થતું આવે છે. કપાસનો પાક સૌથી લાંબો ચાલતો હોવાનું પણ બહાર આવ્યું છે. કપાસમાં 3 ઉતારા આવવાને કારણે આ પાક ડિસેમ્બર મહિના સુધી ખેતરમાં ઊભેલો જોવા મળતો હોય છે. પરંતુ આ વર્ષે હજુ પણ જૂનાગઢની આસપાસના ખેતરોમાં કપાસનો પાક જોવા મળી રહ્યો છે. સમયસર ખેત મજૂરો નહીં મળવાને કારણે કપાસના તૈયાર પાકને બજાર સુધી પહોંચાડવું ખેડુતો માટે ખૂબ જ મુશ્કેલ હતું. આવી પરિસ્થિતિમાં જે સમયે ખેતરમાં શિયાળુ પાક હોવો જોઈએ તેની જગ્યા પર હજુ પણ ચોમાસું પાક જોવા મળી રહ્યો છે.
રવિ પાક સમયસર નહીં થવાને કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલી
સામાન્ય પરિસ્થિતિમાં ડિસેમ્બર મહિનામાં મોટાભાગના રવિ પાકોનું વાવેતર પૂર્ણ કરી દેવામાં આવતું હોય છે. પરંતુ ખેત મજુરોની કારમી અછત અને કોરોના સંક્રમણને કારણે પરપ્રાંતિય મજૂરોનું તેમનાં પ્રદેશોમાં પલાયન થઈ જવાને કારણે ચોમાસું પાક સમયસર લઈ શકાયો નથી. જેની વિપરીત અસર હવે રવિ પાકોના વાવેતર પર પણ જોવા મળી છે. અત્યારે ખેતરમાં ઘઉં, ધાણા, જીરૂ, સહિતનો શિયાળુ પાક જોવા મળવો જોઈએ, પરંતુ તેની જગ્યા પર અત્યારે ચોમાસું પાક તરીકે વાવેતર કરેલા કપાસનો પાક જોવા મળી રહ્યો છે. તેમાં વીણીનું કામ ચાલી રહ્યું છે, ત્યારે જાન્યુઆરી માસ પૂર્ણ થવા આવ્યો છે, ત્યારે શિયાળુ પાકના વાવેતરની એક પણ શક્યતાઓ જોવાતી નથી માટે જુનાગઢની આસપાસના ગામોના ખેડૂતો માટે આ વર્ષે રવિ પાક પણ કોરોના સંક્રમણને કારણે ન લઈ શકાયાનું ભારે દુઃખ છે અને સાથે-સાથે રવિ પાક નથી લઈ શકાયો તેની અસર ખેડૂતોના અર્થતંત્ર પર પણ આવનારા દિવસોમાં ચોક્કસ પણે જોવા મળશે.