જૂનાગઢ : જિલ્લાના વંથલી તાલુકાના સાતલપુર ગામમાં આજે હૃદય હચમચાવી નાખે તે પ્રકારનો કરુણાકિત બનાવ સામે આવ્યો છે. સાતલપુર ગામના દુધાત્રા પરિવારે પોતાના વાડી વિસ્તારમાં સામૂહિક રીતે ઝેરી પ્રવાહી પી લઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં વિકાસભાઈ દુધાત્રા, હીનાબેન દુધાત્રા અને મનન દુધાત્રાને સારવાર મળે તે પહેલા તે લોકોના મોત થઇ ગયા હતા. તેમજ તેમની પુત્રી હેપ્પી દુધાત્રાને ખૂબ જ ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. ખેડૂત પરિવારે ઝેરી પ્રવાહી પી લઈને આત્મહત્યા કરતા સમગ્ર જિલ્લામાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે. આત્મહત્યાની ઘટના પ્રકાશમાં આવતાજ વંથલી પોલીસે પણ સમગ્ર મામલામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આપઘાત બાદ મિત્રને ફોન કરીને જાણ કરી : વિકાસભાઈ દુધાત્રાએ પોતાના વાડી વિસ્તારમાં ઝેરી પ્રવાહી પીધા બાદ તેમના અંગત મિત્ર પ્રદીપ સાવલિયાને ફોન કરીને આ બાબતની જાણકારી આપી હતી. ત્યારબાદ પ્રદીપભાઈ સાવલિયા વિકાસભાઈ ના ખેતરે પહોંચ્યા હતા અને અહીંથી 108 મારફતે પરિવારને જૂનાગઢ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે પરિવારના 3 સભ્યોને સારવાર મળે તે પહેલાજ 108માં મોત થઇ ગયા હતા અને સદ્દનસિબે તેમની પુત્રીનો હાલ બચાવ થયેલ છે, જેની હાલમાં સારવાર ચાલી રહી છે.
3 લોકોને સારવાર મળે તે પહેલા મોત થયા : જૂનાગઢ નાયબ પોલીસ અધિક્ષક બી.સી.ઠક્કરે સામૂહિક આત્મહત્યા પ્રકરણને લઈને વિગતો આપતા જણાવ્યું હતું કે, વંથલી તાલુકાના સાંતલપુર ગામમાં ખેડૂત પરિવારે સામૂહિક આત્મહત્યા કરી છે. તેની જાણ થતાં જ વંથલી પોલીસ સમગ્ર મામલામાં તપાસ કરી રહી છે. હાલ તો ત્રણ વ્યક્તિના મોત થયા છે અન્ય એક દીકરીની ખૂબ જ ગંભીર હાલતમાં સારવાર ચાલી રહી છે. પ્રથમ દ્રષ્ટિએ પોલીસે સામૂહિક આત્મહત્યાના ગુનામાં તપાસ શરૂ કરી છે.