- સરકારી આયુર્વેદિક હોસ્પિટલના તબીબ અનિતા કટારીયાએ યોગમાં ખૂબ મહારત હાંસલ કરી
- અનિતા કટારીયા યોગમાં ચાઇનામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ
- વિશ્વની અજાયબી પર પણ ભારતનો ડંકો વગાડ્યો
જૂનાગઢઃ શહેરની સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં તબીબ તરીકે ફરજ બજાવતાં અનિતા કટારીયા યોગમાં ખૂબ મહારત હાંસલ કરી છે. ડૉક્ટર અનિતા કટારિયાએ વર્ષ 2018માં ચાઇનામાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને ત્યાંના લોકોની સાથે વોલ ઓફ ચાઇના પર યોગના અભ્યાસ કરીને વિશ્વની અજાયબી પર પણ ભારતનો ડંકો વગાડવામાં સફળતા મેળવી હતી.
● જૂનાગઢના મહિલા તબીબ અનિતા કટારીયા યોગમાં છે પારંગત
જૂનાગઢની સરકારી આયુર્વેદિક કોલેજ માં તબીબ તરીકે ફરજ બજાવતાં અનિતા કટારીયા યોગમાં મહારથ હાંસલ કરીને સંત અને શૂરાની ભૂમિ એવા જૂનાગઢને યોગના ક્ષેત્રમાં ખૂબ મોટું બહુમાન અપાવ્યું છે. ડૉક્ટર અનિતા કટારિયાએ વર્ષ 2018 માં ભારતનું પ્રતિનિધિત્વ કરીને ચાઇના ગયા હતા જ્યાં તેમણે વિશ્વની અજાયબી એવી ચાઈનાની દીવાલ પર પણ યોગ કરીને અહીં પણ ભારતનો ડંકો વગાડવામાં સફળતા મેળવી હતી. વર્ષ 1993 થી લઈને 2019 સુધી ઓપન ગુજરાત યોગ સ્પર્ધામાં પ્રથમ રહીને યોગને ઘર સુધી પહોંચાડવામાં અનિતા કટારીયાનું વિશેષ યોગદાન જૂનાગઢ શહેર અને જિલ્લામાં જોવા મળે છે.
વર્ષ 2013માં વિશ્વ યોગ સ્પર્ધાઓમાં ભાગ લઈને અનિતા કટારિયાએ સુવર્ણ ચંદ્રક મળીને ભારતની યોગ સિદ્ધિમાં વધુ એક સોનેરી પીંછનો ઉમેરો કર્યો છે. ડૉક્ટર અનિતા કટારીયા રાષ્ટ્રીય યોગ સ્પર્ધામાં ભાગ લઈને પાંચ જેટલા ગોલ્ડ મેડલ મેળવવામા પણ સફળ થયા છે. પ્રથમ વિશ્વ યોગ દિવસની ઉજવણીના પ્રસંગે ગિરનાર પર્વત પર પણ યોગ કરીને યોગ અને તેના મહત્ત્વને જૂનાગઢના પ્રત્યેક ઘર સુધી પહોંચાડવામાં મદદરૂપ બન્યા હતા. યોગમાં મહારત ધરાવનારા ડૉક્ટર અનિતા કટારીયા ખેલ મહાકુંભમાં પણ પાંચ વખત સુવર્ણ ચંદ્રક મેળવવામાં સફળ રહ્યા છે. વધુમાં તેઓને જૂનાગઢ નારીરત્ન સહિત અનેક એવોર્ડ પણ મળી ચૂક્યા છે. ડૉક્ટર અનિતા કટારીયા યોગના ક્ષેત્રમાં જે પ્રકારે મહારત ધરાવી રહ્યા છે. તે જૂનાગઢની પ્રત્યેક મહિલા માટે સફળતાની મિશાલ બની ચૂક્યા છે.