ભાજપ શાસિત જૂનાગઢ મહાનગરપાલિકાનું આજે અંતિમ સામાન્ય સભા મળી હતી. જૂનાગઢ મહાનગરપાલિકામાં છેલ્લા પાંચ વર્ષથી ભાજપનું શાસન હતુ. આજની બેઠકમાં કોઈ પણ કામો અને ઠરાવો અંગે ચર્ચા કરાઈ ન હતી. પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકારના સહકાર બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
ઉપરાંત જૂનાગઢ સામાજિક સંસ્થાઓ અને તમામ કોર્પોરેટરો જેઓએ પાંચ વર્ષ દરમિયાન સુચારૂ સંચાલમાં સહયોગ આપ્યો હતો, તેને લઈને મેયર, ડે.મેયરે તેમજ સ્ટેન્ડિગ કમિટીના ચેરમેને તમામનો આભાર માન્યો હતો. આજની આ સામાન્ય સભામાં નવનિયુક્ત કમિશ્નર તુષાર સુમેરાનું સ્વાગત કર્યુ હતુ. બીજીતરફ સામાન્ય નાગરિકોને આજની આ બેઠકમાં વિકાસ કાર્યોના ઠરાવ કરવાની આશ હતી, પરંતુ સત્તાધીશોએ કોઈ પણ પ્રકારની જાહેરાતો કરવાનું ટાળીને જનરલ બોર્ડને માત્ર આભાર પ્રસ્તાવ માટે બોલાવ્યું હોય તેમ જણાતું હતુ.
સભા દરમિયાન સત્તાધારી પક્ષના નેતા અને સ્ટેન્ડિગ કમિટિના ચેરમેન સહિત મનપામાં શાસક પક્ષના નેતા અને વિરોધપક્ષના નેતાઓ વચ્ચે વિકાસના કાર્યો મુદ્દે ઉગ્ર રજૂઆતો થઈ હતી.