જૂનાગઢઃ શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી નવા વર્ષના દિવસે નાગરિકો ઊંધિયાની જયાફત માણે છે. ઉતરાયણની સાથે સાથે નૂતન વર્ષના પ્રથમ દિવસે પણ જૂનાગઢવાસીઓ ઊંધિય આરોગતા જોવા મળે છે. આ વર્ષે જૂનાગઢમાં વેચાતા ઊંધિયાની કિંમતમાં કોઈ વધારો થયો નથી. તેથી સ્વાદ રસિકોએ કિફાયતી દામે ઊંધિયાની મજા માણી છે.
મોંઘવારીમાં પણ ઊંધિયાની કિંમત વધી નહીંઃ સતત ત્રણ વર્ષથી જૂનાગઢવાસીઓ ઊંધિયું 200 રુપિયે પ્રતિ કિલોના ભાવથી ખરીદી રહ્યા છે. આ દરમિયાન સીંગતેલ, શાકભાજી, મસાલા, રાંધણ ગેસ આદિના ભાવમાં સતત વધારો નોંધાતો રહ્યો છે. જો કે આ નૂતન વર્ષના પ્રથમ દિવસે પણ ઊંધિયું 200 રુપિયે પ્રતિ કિલોના ભાવથી વેચાઈ રહ્યું છે. આ કિંમતને લીધે જૂનાગઢવાસીઓ હોંશે હોંશે આરોગી રહ્યા છે ઊંધિયું. જૂનાગઢના સ્વાદ રસિયાઓ માટે નૂતન વર્ષ ઊંધિયાની કિફાયતી કિંમતની ભેટ લઈને આવ્યું હોય તેવો માહોલ સર્જાયો છે.
ઊંધિયુ ખાવાની પરંપરાઃ છેલ્લા કેટલા વર્ષથી જૂનાગઢમાં નૂતન વર્ષના પ્રથમ દિવસે ઊંધિયુ દરેક ઘરની થાળીમાં જોવા મળે છે. નવા વર્ષના પ્રથમ દિવસે ઉતરાયણની જેમ જ ઊંધિયું આરોગવાની રીતસરની પ્રથા જૂનાગઢમાં જોવા મળે છે. મહિલાઓ પણ બેસતા વર્ષે સમયના અભાવે ઊંધિયું બજારમાં ખરીદી કરીને સમગ્ર પરિવારને અને સગા સંબંધીઓને ઉત્સાહથી જમાડે છે.
લાઈવ ઊંધિયુ હોટ ફેવરિટઃ જૂનાગઢની બજારોમાં મોટી મોટી દુકાનો ઉપરાંત ઊંધિયું વેચતા સ્ટોલ પણ જોવા મળી રહ્યા છે. આ સ્ટોલમાં ગ્રાહકની સામે જ લાઈવ ઊંધિયું બનાવવામાં આવે છે. ગ્રાહકની ઉપસ્થિતિમાં શુદ્ધ સીંગતેલ, શાકભાજી અને મસાલામાંથી લાઈવ ઊંધિયુ તૈયાર થાય છે. ગરમાગરમ લાઈવ ઊંધિયું પોતાની નજર સામે બનતું જોઈને ગ્રાહકો પણ આકર્ષાઈ રહ્યા છે તેમજ હોંશભેર ઊંધિયાની ખરીદી કરી રહ્યા છે.
સીંગતેલ, શાકભાજી, મસાલા, રાંધણ ગેસ વગેરેની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો હોવા છતા અમે છેલ્લા ત્રણ વર્ષથી 200 રુપિયે કિલો ઊંધિયું વેચી રહ્યા છીએ. તહેવારમાં ખાસ કરીને બપોરના સમયે લોકો ઊંધિયું ખાવા તલપાપડ હોય છે. તેથી અમે દરેક વર્ગના ગ્રાહકો નવા વર્ષના પ્રથમ દિવસે ઊંધિયાનો સ્વાદ માણી શકે તે માટે છેલ્લા ત્રણ વર્ષની જેમ આ વર્ષે પણ ઊંધિયાની કિંમતમાં કોઈ ભાવ વધારો કર્યો નથી...ધીરુ કામળિયા(ઊંધિયાના વેપારી, જૂનાગઢ)