જૂનાગઢ મનપાની સામાન્ય ચૂંટણીઓ હવે ગણતરીના દિવસોમાં યોજાવાની છે. ત્યારે આજે મનપાનું અંતિમ જનરલ બોર્ડ મળ્યું હતું. જેમાં ડેપ્યૂટી મેયર ગિરીશ કોટેચાએ આગામી 21 જુલાઈના મતદાન યોજાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. જેને લઈને સૌ કોઈ ચોંકી ગયા હતા. સામાન્ય સંજોગોમાં ચૂંટણીની તારીખો ચૂંટણી પંચ જાહેર કરતું હોય છે, ત્યારે આજે મનપાની સામાન્ય સભામાં પોતે ડેપ્યૂટી મેયરે આગામી ચૂંટણીની તારીખ જાહેર કરી હતી.
આ બાબાતને લઈને ચૂંટણી પંચનું કામ ડેપ્યૂટી મેયર કરતા હોય તેવું જોવા મળ્યું હતું. કોઈ એક ચૂંટાયેલો પ્રતિનિધિ જાહેર મંચ પરથી ચૂંટણીની તારીખ જાહેર કરે તો પણ તેને ગંભીર માનવામાં આવે છે. ત્યારે આજે જૂનાગઢ મનપાના ચાલુ જનરલ બોર્ડમાં પોતે ડેપ્યૂટી મેયર ગિરીશ કોટેચાએ ચૂંટણીની તારીખ જાહેર કરીને સૌને ચોંકાવી દીધા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, હજુ સુધી ચૂંટણી પંચ દ્વારા જૂનાગઢ મનપાની ચૂંટણીઓની તારીખ જાહેર કરવામાં આવી નથી.