આ વર્ષે સારા વરસાદને કારણે ચોમાસા દરમિયાન દામોદર કુંડમાં છલોછલ પાણી ભરાઈ ગયુ હતું. જેથી કુંડની ગંદકી પણ સાફ થઈ ગઈ હતી. પરંતુ ચોમાસાની ઋતુએ વિદાય લીધા પછી ફરીવાર દામોદર કુંડનું પાણી ગંદુ બની રહ્યું છે. જેને કારણે અહીં આવતા ભાવિકો દુ:ખની લાગણી અનુભવી રહ્યા છે.
છેલ્લા એક મહિનાથી દામોદર કુંડનું પાણી એટલી હદે અપવિત્ર થયું છે કે, અહીં આવતા શ્રદ્ધાળુઓ સ્નાન કરવા માટે પણ ક્ષોભ અનુભવી રહ્યાં છે. જેને કારણે કુંડની પવિત્રતા ઉપર પણ સવાલો ઉભા થઈ રહ્યાં છે. જોકે દુ:ખની વાત એ છે કે, અહીં આવતા શ્રદ્ધાળુઓ જ કુંડના પાણીમાં ગંદકી કરે છે. સ્થાનિકો જણાવી રહ્યાં છે કે, યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ મામલે નક્કર પગલા લેવામાં આવે અને આ સમસ્યાનું કાયમી સમાધાન લાવવામાં આવે.