થોડા દિવસ પહેલા જૂનાગઢ તાલુકા પોલીસને માખીયાળા ગામની સીમમાં આવેલા એક ખેતરમાં વિદેશી દારૂનો જથ્થો પડયો હોવાની બાતમી મળી હતી. જેને લઈને તાલુકા પોલીસ દ્વારા શંકાસ્પદ જગ્યાએ તપાસ કરતા ત્યાંથી છુપાવવામાં આવેલી 388 જેટલી દારૂની પેટી કબજે કરી હતી અને પોલીસે ફરાર 2 આરોપી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી અને વધુ તપાસ હાથ ધરી હતી.
સમગ્ર કેસમાં ASI ખુદ ફરિયાદી બન્યા હતા અને સમગ્ર મામલાની તપાસ માટે તેઓ સામેલ હતા. આ ઘટનામાં હવે ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે કે, માખીયાળાની સીમમાંથી 388 પેટી દારૂ પકડાયો હતો, તેમાંથી 21 પેટી જેટલો દારૂ ASI વાળા અને રાઇટર કરમટાએ ચોરી છૂપીથી તેમના નિવાસસ્થાને પહોંચાડીને દારૂની ચોરી કરી હોવાની વિગતો રેન્જ IG સુભાષ ત્રિવેદીને મળતા તેમના દ્વારા બનાવવામાં આવેલી ટીમે દાતાર પોલીસ લાઈનમાં રેડ કરી હતી. જ્યાં ASI વાળા અને કરમટાના કબજામાં રહેલી 21 જેટલી દારૂની પેટીઓ પકડાઈ આવતા પોલીસે બંને કર્મચારી વિરૂદ્ધ જૂનાગઢ એ ડિવિઝનમાં ફરિયાદ દાખલ કરી દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આ સમગ્ર મામલો જૂનાગઢ શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.