જૂનાગઢ: આવતીકાલે ભાદરવી અમાસનું મહાપર્વ છે. અમાસના દિવસે પિતૃ તર્પણ કરવાને લઈને સનાતન ધર્મની ધાર્મિક પરંપરા અનુસાર સમગ્ર દેશમાંથી લાખોની સંખ્યામાં ભાવી ભક્તો પોતાના પિતૃઓના તર્પણ માટે પવિત્ર દામોદર કુંડ આવતા હોય છે. ત્યારે ભાદરવી અમાસની 24 કલાક પૂર્વે પવિત્ર દામોદર કુંડમાં ગંદકીના ગંજ ખડકાયેલા જોવા મળી રહ્યા છે.
ગંદકી સાફ કરવામાં ઢીલાશ: દોઢ મહિના પૂર્વે પડેલા અતિભારે વરસાદને કારણે દામોદર કુંડની સફાઈ હજુ સુધી થઈ નથી. દામોદર કુંડની સાફ સફાઈ યાત્રાધામ વિકાસ બોર્ડ પાસે છે. તેમના દ્વારા વર્ષ દરમિયાન દામોદર કુંડની સાફ સફાઈનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતું હોય છે. વરસાદ બાદ નિયમિત રીતે દામોદર કુંડની સફાઈ ન થતાં જ્યાં જુઓ ત્યાં ગંદકી અને શેવાળના થર જોવા મળી રહ્યા છે. આવતી કાલે જ્યારે લાખો લોકો આસ્થાની ડૂબકી લગાવશે ત્યારે પ્રત્યેક ધર્મ પ્રેમી વ્યક્તિની ગંદકીને કારણે ધાર્મિક આસ્થા છિન્નભિન્ન થતી પણ જોવા મળશે.
ભક્તોમાં ભારે રોષ: આવતીકાલે જ્યારે લાખોની સંખ્યામાં ભાવિકો દામોદર કુંડ ખાતે ભેગા થશે ત્યારે આ ગંદકીના થર કોઈ પણ અકસ્માતને આમંત્રણ આપી શકે છે. જેના પર કોઈ પણ વ્યક્તિનો પગ પડતા જ અકસ્માત સર્જાશે તે વાતને પણ નકારી શકાય તેમ નથી. ધર્મની પરંપરા અને આસ્થા સાથે જોડાયેલું આ પવિત્ર સ્થળ ગંદકીને કારણે ભાવી ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
'પવિત્ર દામોદર કુંડ આસ્થાનું પ્રતીક છે. પરંતુ અહીં જ્યાં જુઓ ત્યાં ઠેર ઠેર ગંદકીના ગંજ ખડકાયેલા જોવા મળે છે. જેને કારણે ધાર્મિક પવિત્રતાને લઈને ખૂબ જ દુઃખ થયું. તંત્ર દ્વારા ધર્મસ્થાનોની સફાઈ અને તેની પવિત્રતાને જાળવી રાખવા માટે કામ કરવું જોઈએ.' - ભંવરલાલ, પ્રવાસી, રાજસ્થાન
વહેલી તકે ગંદકી દૂર કરાશે: જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશ પરસાણાએ જણાવ્યું કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શક્ય બને તેટલી ઝડપથી દામોદર કુંડની સફાઈ આજના દિવસ દરમિયાન કરવામાં આવશે. આવતીકાલે પવિત્ર ભાદરવી અમાસના દિવસ કોઈ પણ અકસ્માત અને ભાવિ ભક્તોની ધાર્મિક આસ્થાને નુકસાન ન થાય તે રીતે પૂર્ણ થાય તે દિશામાં જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન કામ કરશે.