જુનાગઢ: અરબી સમુદ્રમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશન હવે વાવાઝોડામાં પરિવર્તિત થઈને આગળ વધી રહ્યું છે. હાલ વાવાઝોડું સમુદ્રમાં પોરબંદરથી 1000 કિલોમીટર કરતાં વધુ અંતરે સ્થિર થયેલું છે. જેને પગલે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના તમામ બંદરો પર બે નંબરના ભયસુચક સિગ્નલ લગાવી લોકો તેમજ માછીમારોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
બે નંબરનું ભયસૂચક સિગ્નલ: અરબી સમુદ્રમાં આકાર લઈ રહેલા વાવાઝોડાને કારણે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના તમામ બંદરો પર બે નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. સંભવિત વાવાઝોડાને લઈને લોકો અને માછીમારો સાવચેત રહે તે માટે આ સિગ્નલ લગાવવામાં આવ્યું છે. અરબી સમુદ્રમાં જે ડીપ ડિપ્રેશન સક્રિય હતું તે હવે વાવાઝોડાના રૂપમાં ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર પોરબંદરના તટિય વિસ્તારથી દરિયામાં એક હજાર કિલોમીટર કરતાં વધુ દૂર વાવાઝોડું સ્થિર થયું છે.
દરિયાનો કરંટ પૂર્વવત: વેરાવળ કોડીનાર સુત્રાપાડા માંગરોળ સહિતના દરિયામાં હાલ કોઈ વિશેષ કરંટ જોવા મળતો નથી. સમુદ્રની સપાટી અને તેમાં મોજા સામાન્ય દિવસોની માફક જોવા મળી રહ્યા છે. પરંતુ આગામી દિવસોમાં જો વાવાઝોડું ગુજરાતના તટીય વિસ્તાર પર આગળ વધતું જોવા મળશે તો દરિયામાં ચોક્કસપણે કરંટ જોવા મળશે. હાલ દરિયાની સ્થિતિ સામાન્ય દિવસો જેવી જોવા મળે છે.
વાવાઝોડાની અસર: જો વાવાઝોડું પાકિસ્તાન અથવા ઓમાન તરફ આગળ નીકળી જાય તો ગુજરાતના દરિયાકાંઠા પર વાવાઝોડાની કોઈ વિશેષ અસર થશે નહીં. પરંતુ વાવાઝોડું ગુજરાતના દરિયાઈ વિસ્તાર અને ખાસ કરીને વેરાવળ, માંગરોળ અને પોરબંદર તરફ આગળ વધશે તો દરિયામાં કરંટ સાથે મહાકાય મોજા પણ ઉછળી શકે છે. અત્યારથી જ સાવચેતીના ભાગરૂપે તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
જિલ્લા કલેક્ટર કામગીરી: જૂનાગઢના જિલ્લા કલેકટર અનિલ કુમાર રાણાવાસીયા અને ગીર સોમનાથ જિલ્લાના કલેકટર એચ. કે. વઢવાણિયા આજે બપોર બાદ વીડિયો કોન્ફરન્સ કરશે. સંભવિત વાવાઝોડાને પગલે કેવા પ્રકારની કામગીરી અને જિલ્લાની કઈ જરૂરિયાત છે તેને લઈને રાજ્ય સરકાર સમક્ષ પોતાના પ્રતિભાવો પણ રજૂ કરશે.
એક્શન પ્લાન તૈયાર: ત્યારબાદ દરિયાકાંઠા વિસ્તારના ગામો અને તાલુકામાં સાવચેતીના નિર્ણયો લેશે. રાહત તેમજ બચાવ ટુકડીના કાર્યસ્થાનો તેમજ વાવાઝોડાની સ્થિતિમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી શકાય તેવા આશ્રયસ્થાનોની પૂરતી ચકાસણી કરવામાં આવશે. વાવાઝોડું ત્રાટકે તો લોકોને ઓછું નુકસાન થાય તે માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવશે.