જૂનાગઢ: સંભવિત વાવાઝોડાના ખતરાને વન વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.વિખ્યાત એવા સાસણગીર સફારી પાર્કની સાથે દેવડીયા અને ધારી નજીક આવેલ આંબરડી સફારી પાર્કની સાથે ગિરનાર પર્વત વિસ્તારમાં શરૂ કરવામાં આવેલા નેચર સફારી પાર્કને આગામી 15મી તારીખ અથવા તો જ્યાં સુધી વાવાઝોડાની પરિસ્થિતિ સંપૂર્ણપણે પૂર્વવત ન બને ત્યાં સુધી તમામ સફારી પાર્કને બંધ કરવાનો નિર્ણય વન વિભાગે કર્યો છે.
ગીરના તમામ સફારી પાર્ક બંધ: સામાન્ય રીતે ગીર સાસણ સફારી પાર્ક દર વર્ષે ચોમાસાના ચાર મહિના અને સિંહોના સંવવન કાળને લઈને 16મી જૂનથી ચાર મહિના માટે બંધ કરવામાં આવે છે ત્યારે આ વર્ષે ચાર દિવસ પૂર્વે સંભવિત વાવાઝોડાના ખતરાને પગલે સાસણ ગીર સફારી પાર્ક બંધ કરવાનો નિર્ણય વન વિભાગે કર્યો છે. તો બીજી તરફ ગિરનાર માં આવેલું નેચર સફારી પાર્ક પણ ચોમાસાને કારણે ચાર મહિના સુધી બંધ રહેશે. જેને પણ ચાર દિવસ પહેલા બંધ કરી દેવામાં આવ્યું છે, આ બંને સફારી પાર્ક હવે દિવાળીના વેકેશનના સમયમાં 16મી ઓક્ટોબરે ફરી એક વખત રાબેતા મુજબ પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવશે.
15 તારીખ બાદ લેવાશે નિર્ણય: સાસણ નજીક આવેલું દેવડીયા સફારી પાર્ક અને ધારી નજીક આવેલું આંબરડી સફારી પાર્ક 15 તારીખ બાદ વાતાવરણમાં બદલાવ અને વાવાઝોડાનો ખતરો સૌથી ઓછો થતા ફરીથી તેને ખોલવામાં આવશે. આંબરડી અને દેવળીયા સફારી પાર્ક અઠવાડિયામાં દર બુધવારે બંધ રહે છે. પરંતુ વર્ષના તમામ દિવસો દરમિયાન બુધવારને બાદ કરતા તે પ્રવાસીઓ માટે ખુલ્લું રાખવામાં આવે છે. હાલ 15 તારીખ બાદ દેવડીયા અને આંબરડી સફારી પાર્ક ફરી એક વખત પ્રવાસીઓ માટે ખુલતું જોવા મળશે.
વન સંરક્ષકે આપી માહિતી: ગીર સાસણ સફારી પાર્કના નાયબ વન્ય સંરક્ષક મોહન રામે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે સંભવિત વાવાઝોડાના ખતરાને પગલે સાસણ અને દેવડીયા સફારી પાર્ક પ્રવાસીઓ અને વન્ય પ્રાણીઓની સુરક્ષાને અગ્રીમતા આપીને બંધ રાખવામાં આવ્યું છે. સાસણ સફારી પાર્ક હવે 16મી ઓક્ટોબરના દિવસે ફરી એક વખત રાબેતા મુજબ શરૂ થશે. પરંતુ દેવળીયાની સાથે આંબરડી સફારી પાર્ક આગામી 15 તારીખ બાદ વાતાવરણની અનુકૂળતાને ધ્યાને રાખીને તેને ફરી એક વખત પ્રવાસીઓ માટે ખોલવામાં આવશે.