જૂનાગઢ: તંત્રએ બિપરજોય વાવાઝોડાના ખતરાને ટાળવા જરૂરી સૂચનો આપ્યા હતા. વહીવટી તંત્રએ ભયજનક વિસ્તારોમાંથી નાગરીકોને સલામત સ્થળે ખસેડવાના આદેશ આપ્યા હતા. ત્યારે મેંદરડાના જુદા-જુદા ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોને સરકારી છાત્રાલય,ITI , સીમ શાળા, પશુ હોસ્પિટલ સહિતના સ્થળોએ સહી સલામત રીતે ખસેડવામાં આવ્યા હતા.
સ્થળાંતરની કામગીરી: મેંદરડા વિસ્તારમાં બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. ત્યારે ત્રણ દિવસથી સતત ધીમી ધારે તો ક્યારેક વધુ વરસાદ અને પવન ચાલુ છે. જેના કારણે વૃક્ષો અને વીજપોલ પડવાની પણ ઘટનાઓ સામે આવી છે. ત્યારે મેંદરડા વિસ્તારમાં અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોને સહી સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. આ કામગીરી મેંદરડા ગ્રામ પંચાયત તેમજ વહીવટી તંત્ર અને સંસ્થાઓ આગેવાનો દ્વારા પૂરજોશમાં કરવામાં આવી રહી છે.
અત્યાર સુધીમાં 400 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. સ્થળાંતર કરાયેલ તમામ લોકોને આરોગ્ય અને મેડિકલ દવાઓની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત તમામને જીવન જરૂરીયાતની વસ્તુઓની તથા નાસ્તા ભોજન સહિતની સાર સંભાળ ગ્રામ પંચાયત અને વહીવટી તંત્ર તેમજ સામાજિક સંસ્થાઓ અને સંગઠન દ્વારા રાખવામાં આવી રહી છે. --- જે.ડી ખાવડું (સરપંચ, મેંદરડા)
ફૂડ પેકેટનું વિતરણ: નદીકાંઠા વિસ્તારના કાચા મકાનમાં અને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા તમામ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. મેંદરડા ગ્રામ્ય પંચાયત અને રઘુવંશી સમાજ જેવી સંસ્થાઓ દ્વારા ભોજન અને ફૂડ પેકેટ વિતરણ કરાયું હતું.
સામાજિક સંસ્થાનો સહયોગ: આ કામગીરીમાં ગ્રામ પંચાયત ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ,RSS, બજરંગ દલ અને સમાજના આગેવાનો અને સમસ્ત સમાજના યુવાનો પોતાનું યોગદાન આપી રહ્યા છે. વહીવટી તંત્ર અને પોલીસ કર્મચારીઓ તેમજ અધિકારીઓ દ્વારા સવારથી સાવચેતીના પગલા ભરવામાં આવી રહ્યા છે.