જૂનાગઢ: સંભવિત બિપરજોય વાવાઝોડાના ખતરાને પગલે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બનેલું જોવા મળે છે. સીએમ દ્વારા આજે બપોરના સમયે વીડિયો કોન્ફરન્સનું આયોજન થયું હતું. જેમાં જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલ કુમાર રાણાવસિયા સાથે જિલ્લાના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંભવિત વાવાઝોડાની સ્થિતિનું આંકલન કરીને રેસ્ક્યુ સહિત લોકોને સલામત સ્થળે પહોંચાડવા તે માટેના આયોજનબદ્ધ કાર્યક્રમો બનાવ્યા છે.
તૈયારીઓને આખરી ઓપ: જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલ કુમાર રાણાવસીયાએ માધ્યમોને માહિતી આપતા જણાવ્યું હતું કે સંભવિત વાવાઝોડાની સ્થિતિ માટે જિલ્લા વહીવટી તંત્ર તમામ કામગીરીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. સ્થળાંતરની કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લામાં 25 જેટલા શેલ્ટર હોમ અત્યારથી જ તૈયાર કરી દેવામાં આવ્યા છે. વધુમાં જિલ્લાની રજીસ્ટર થયેલી એક પણ માછીમારીની બોટ હાલ દરિયામાં જોવા મળતી નથી.
'વીજ પુરવઠો સંપૂર્ણપણે જળવાઈ રહે તે માટે પીજીવીસીએલ દ્વારા 60 જેટલી ટીમો બનાવવામાં આવી છે. સંભવિત વાવાઝોડા બાદ ની પરિસ્થિતિ માટે તૈયાર કરી દેવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સારવારને લઈને પણ વ્યવસ્થાઓ કરાય છે. ખાસ કરીને સગર્ભા બહેનો કે જે આ પાંચ દિવસ દરમિયાન તેમના સંતાનને જન્મ આપવાની હશે તેવી તમામ મહિલાઓને અગાઉથી જ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવશે અથવા તો તેમને કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં સૌથી પહેલા હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા પણ કરાઈ છે.' -અનિલ રાણાવસીયા, જિલ્લા કલેકટર
47 ગામોને કરાયા એલર્ટ: જિલ્લાના માળિયા અને માંગરોળ તાલુકાના 47 જેટલા ગામોને સંભવિત વાવાઝોડાના ખતરાને લઈને સાવચેત કરાયા છે. આ તમામ ગામો દરિયાઈ સીમાથી બિલકુલ નજીક જોવા મળે છે. વધુમાં તારીખ 14 અને 15 ના દિવસે અતિ ભારે વરસાદની સાથે 60 થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ પણ વ્યક્ત થઈ રહી છે. સૌથી ઓછા જાન અને માલનું નુકસાન થાય તેમજ લોકોને સલામત સ્થળે ખસેડવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે આગોતરું આયોજન કરી દેવામાં આવ્યું છે.