જૂનાગઢઃ કોરોનાનો કહેર અને વ્યાપ હવે ધીમે ધીમે વિસ્તરી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખી રવિવારે રાજ્ય સરકાર દ્વારા કેટલાક પ્રતિબંધાત્મક આદેશો લગાવવામાં આવ્યા છે. આ આદેશો મુજબ એવા દરેક સ્થળ પર કે જ્યાં એકથી વધારે લોકો એકઠા થઈ શકે, તે તમામ સ્થળોને આગામી 29 તારીખ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે પૈકી જૂનાગઢ જિલ્લામાં પણ આ પ્રકારના પ્રતિબંધાત્મક આદેશોને પગલે કેટલાક સામૂહિક સંસ્થાનો સોમવારથી બંધ કરવામાં આવ્યા છે.
કોરોના વાયરસ તેની ઘાતક અસર ગુજરાતમાં ન પ્રસરાવી શકે, તે માટે સિનેમા ઘરો, પ્રાથમિક-માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અને કૉલેજ સુધીની શૈક્ષણિક સંસ્થાઓ, ટાઉન હોલ, શોપિંગ મોલ અને સ્નાનગૃહ બંધ રાખવામાં આવ્યા છે. સોમવારે જૂનાગઢ શહેરમાં આવેલા ટાઉનહોલ, સ્નાનગૃહ, મલ્ટીપ્લેક્સ, થિએટર સહિત તમામ જગ્યાઓ કે જ્યાં એક કરતાં વધુ લોકો ઉપસ્થિત રહી શકે, તેવા તમામ સ્થળોને 16 માર્ચથી આગામી 29મી તારીખ સુધી બંધ રાખવામાં આવ્યા છે.