જૂનાગઢ : આગામી 1 તારીખથી ચોથા તબક્કાનું લોકડાઉન પણ પૂર્ણ થઈ રહ્યું છે. ત્યારે ગ્રીન ઝોનમાં સમાવેશ કરવામાં આવેલા જૂનાગઢ જિલ્લાને વધુ કેટલીક વિશેષ સુવિધાઓ અને છુટછાટો મળે તેવી પ્રબળ શક્યતાઓ જોવાઇ રહી છે. હાલ જૂનાગઢ શહેર અને જિલ્લામાં મોટા ભાગની વ્યાવસાયિક સંસ્થાનો ખુલતી જોવા મળી રહી છે. પરંતુ શહેરમાં હજુ પણ કેટલાક વ્યાવસાયિક પ્રતિષ્ઠાનો બંધ જોવા મળે છે. તેને આગામી સોમવાર અને પહેલી તારીખથી કેટલીક શરતોને આધીન છૂટછાટો મળશે, અને છેલ્લા 60 દિવસથી બંધ વધુ કેટલાક સંસ્થાનો ખુલે તેવી પ્રબળ શક્યતાઓ જોવાઇ રહી છે.
આ સાથે શહેરમાં આવેલા જિમ્નેશિયમ અને સ્પાને પણ કેટલીક કલાકો માટે છૂટછાટ આપવામાં આવે તેવી શક્યતાઓ જોવાઇ રહી છે. મનોરંજન ગૃહો, સ્નાનાગાર અને થિયેટર જેવી વ્યવસ્થા શરૂ થશે કે, કેમ તેને લઈને હજુ પણ શંકાઓ ઉદભવી રહી છે. પરંતુ જો સરકાર મોટું મન રાખીને કેટલીક કડક શરતોને આધીન આવા સંસ્થાનો પણ ગ્રીન ઝોનમાં ખોલે તો નવાઇ પામવા જેવું કશું જ નહીં હોય.