જૂનાગઢ: રાણકદેવીનો મહેલ ઉપરકોટમાં આવેલો રાણકદેવી નો મહેલ 800 વર્ષ બાદ આજે પણ ઉત્તમ અને આદર્શ બાંધકામનું દ્રષ્ટાંત પૂરું પાડે છે. 800 વર્ષ પૂર્વે અહીંના રાજા રા'ખેંગાર અને તેની રાણી રાણકદેવી માટે બનાવવામાં આવેલો આ મહેલ જે તે સમયે માત્ર ચૂનાના પથ્થર માંથી બનાવવામાં આવ્યો હતો. જેને જોઈને આજે પણ પ્રવાસીઓ ભારે આશ્ચર્યચકિત બને છે. ચૂનાના પથ્થરનું બાંધકામ 800 વર્ષ પછી પણ આજે હયાત જોવા મળે છે. ચુનાના પથ્થરોની ખાસિયત મુજબ તે કોઈપણ ઋતુમાં અનુકૂલન સાથે મહેલને ઠંડો રાખવામાં મહત્વના બને છે. રાણકદેવીના મહેલમાં રાખેંગાર રાજ દરબાર પણ ભરતા હતા તે 800 વર્ષ પૂર્વે નો ઇતિહાસ આજે પણ નજર સમક્ષ જોવા મળે છે.
"આજથી 800 વર્ષ પૂર્વે આ કિલ્લાનું નિર્માણ થયું હતું. જેની પાછળ એકમાત્ર ચૂનાના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ખૂબ જ મહત્વપૂર્ણ બાંધકામ તરીકે ઉપરકોટ કિલ્લામાં રાણકદેવીનો મહેલ આજે પણ માનવામાં આવે છે. નીચે રા'ખેંગારની રાણીઓને રહેવા માટેના મહેલોની સાથે ઉપર રા'ખેંગાર રાજ દરબાર ભરી શકે તે માટેની વ્યવસ્થા રાણકદેવીના મહેલ ઉપરના ભાગમાં કરવામાં આવી છે. જેતે સમયે આ મહેલ રાણકદેવીના મહેલ તરીકે જ ઉપરકોટમાં પ્રખ્યાત હતો. જે આજે પણ પ્રવાસીઓ માટે ભારે આકર્ષણનું કેન્દ્ર પણ બને છે."-- પુરુષોત્તમ જુમાણી (ગાઈડ ઉપરકોટ)
ઉપરકોટના અન્ય આકર્ષણો: ઉપરકોટના કિલ્લામાં રાણકદેવીના મહેલ સાથે વર્ષો પૂર્વે તેમના શાસનકાળ દરમિયાન બનાવવામાં આવેલ અડી અને કડી વાવ નવઘણ કુવો પણ આટલા જ મહત્વના અને બાંધકામની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના સ્થાપત્યો માનવામાં આવે છે. ઉપરકોટના કિલ્લામાં જે તે સમયે સમગ્ર જૂનાગઢના લોકો માટે વર્ષભર ચાલે તેટલા અનાજનો સંગ્રહ થઈ શકે તેવા ગોડાઉન આજે પણ તમામ આધુનિક વ્યવસ્થાને ટક્કર મારે તે પ્રકારે જોવા મળે છે. ઉપરકોટમાં આવેલા આ તમામ સ્થાપત્યને નજર સમક્ષ જોઈને ગુજરાત બહારથી આવતા પ્રવાસીઓ પણ ભારે અચંબામાં પડી જાય છે.
મહારાષ્ટ્રના પ્રવાસીએ આપ્યો પ્રતિભાવ: મહારાષ્ટ્ર થી જૂનાગઢ પર્યટન માટે આવેલા પ્રવાસી સંજય દેશમુખે ચાર વર્ષ બાદ ફરી ખોલવામાં આવેલા ઉપરકોટના કિલ્લાના સ્થાપત્યને લઈને તેમનો પ્રતિભાવ આપ્યો હતો. અને જણાવ્યું હતું કે તેઓ પાછલા ઘણા વર્ષોથી ઉપરકોટના કિલ્લાને જોવા માટે ઈચ્છા ધરાવતા હતા ગયા વર્ષે પણ તેઓ જુનાગઢ આવ્યા હતા. પરંતુ સમારકામના કારણે કિલ્લો બંધ હોવાથી તેઓ જૂનાગઢના ઈતિહાસ સાથે સંકળાયેલા આ કિલ્લાના સ્થાપત્યને જોવામાં નિષ્ફળતા મળી હતી. પરંતુ હવે આજે જ્યારે કિલ્લો પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો છે. ત્યારે અહીંના સ્થાપત્યો જોઈને ખરેખર જે તે સમયના રાજા રજવાડાઓની દૂરંદેશીતા અને તેમના સ્થાપત્ય જોઈને ખૂબ જ અચરજ પામી રહ્યા છે.