હાલ સમગ્ર દેશના પ્રાણીસંગ્રહાલય સાથે પ્રાણીઓની અદલા-બદલી થઈ રહી છે. જૂનાગઢ સક્કરબાગ ઝૂમાંથી એશિયામાં એકમાત્ર ગીરમાં જોવા મળતાં સિંહ આપી જે-તે પ્રદેશ કે તે વિસ્તારના પશુ-પક્ષીઓની અદલા-બદલીનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. તે પૈકી જૂનાગઢ સક્કરબાગ ઝૂમાંથી મૈસુરના સ્વામી રાજેન્દ્ર ઝુને સિંહના બદલામાં દક્ષિણ ભારતમાં જોવા મળતાં બાયસન નામના પ્રાણીને જૂનાગઢ લાવવામાં આવ્યું હતું. અહીં લાવવામાં આવેલાં ત્રણ પૈકી એક બાયસનનું કોઈ કારણસર મોત થયું છે. મળતી માહિતી મુજબ આ બાયસનને અહીંનું વાતાવરણ અનુકૂળ નહીં આવતા તેનું મોત થયું હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
વિશ્વના પાંચમા નંબરના સૌથી વધુ વજન ધરાવતાં પ્રાણી તરીકે બાયસનનો સમાવેશ થાય છે. બાયસન ભારત સહિત દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાં જોવા મળતું પ્રાણી છે. અગાઉ પણ પ્રાણીની અદલા બદલીના કાર્યક્રમ અંતર્ગત બે બાયસન જૂનાગઢ સક્કરબાગ ઝૂને ફાળવવામાં આવ્યા હતા. જે આજે તંદુરસ્ત જોવા મળી રહ્યા છે. પરંતુ એક મહિના પહેલા લાવવામાં આવેલા 3 બાયસન પૈકીના એકનું આજે કોઈ કારણોસર મોત થયું હતું. વનવિભાગના અધિકારીઓ પણ મોતનું કારણ જણાવી શક્યા નથી.
બાયસનના મોત પર અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે ત્યારે બે દિવસ અગાઉ જ આસામમાંથી પણ રીંછની એક જોડી સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં લાવવામાં આવી છે. આગામી દિવસોમાં જીબ્રા સહિત કેટલાક વિદેશના પ્રાણીઓ પણ સક્કરબાગ મહેમાન બનવા આવી રહ્યાં છે. ત્યારે આજે બાયસનનું અકાળે થયેલું મોત જૂનાગઢ પ્રાણી સંગ્રહાલયમાં આવતાં પ્રાણીઓ માટે ચિંતાનો વિષય બની શકે છે