જૂનાગઢ: ભોળાનાથને શ્રાવણ મહિનામાં વિવિધ પ્રકારે અભિષેક કરવામાં આવતો હોય છે. જેમાં શેરડીનો રસ, મધ, દૂધ, પંચામૃત, ગંગાજળ અને બિલીપત્રનો અભિષેક ભગવાન ભોળાનાથને કરવામાં આવતો હોય છે.
ભગવાન શિવને પ્રિય એવું બિલીપત્ર ભાવિકો માટે ખૂબ જ આસ્થા ધરાવે છે. શ્રાવણ મહિનામાં ભોળાનાથના ભક્તો ભગવાન શિવ પર બિલીપત્રનો અભિષેક કરીને શિવજીને રીઝવતા હોય છે. શ્રાવણ મહિનો શિવની ભક્તિ માટે ખૂબ જ મહત્વનો ગણાય છે, ત્યારે શ્રાવણ મહિનામાં ભગવાન ભોળાનાથ પર સવા લાખ બિલીપત્રનો અભિષેક કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
ભગવાન શિવને અર્પણ કરવામાં આવતું બિલીપત્ર ત્રણ વેદો શિવના ત્રણ અંગો તેમજ સૂર્ય ચંદ્ર અને અગ્નિના પ્રતિક તરીકે તમામ ધર્મ ગ્રંથોમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દરેક શિવ ભક્ત તેમની જીવનમાં સૂર્ય જેવી તેજસ્વીતા ચંદ્ર જેવી શીતળતા અને અગ્નિ જેવી પરિપકવતા પ્રાપ્ત કરવા માટે શિવ પર બિલીપત્ર અર્પણ કરતા હોય છે.
બિલીનું વૃક્ષ ઔષધ તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવતું હોય છે. જેનો ઉલ્લેખ પણ આપણા ધાર્મિક ગ્રંથોમાં આજે પણ જોવા મળે છે. આ માટે શ્રાવણ મહિનામાં શિવજીના ભક્તો મહાદેવ પર બિલીપત્રનો અભિષેક કરીને શિવની કૃપા પ્રાપ્ત કરતા હોય છે.