જૂનાગઢઃ અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિરમાં જાન્યુઆરી મહિનામાં પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. આ કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. જેમાં દેશભરના સાધુ, સંતો, મહામંડલેશ્વર વગેરેને આમંત્રણ આપવામાં આવી રહ્યા છે. આજે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા ગુજરાતના જૂનાગઢ સ્થિત ભવનાથની તળેટીના મંદિરો અને આશ્રમોના સંતોને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
કોને મળ્યું આમંત્રણ?: ભવનાથ તળેટીમાં આવેલા સુપ્રસિદ્ધ ભવનાથ મહાદેવ મંદિરના મહંત હરિગીરી મહારાજને પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ અપાયું છે. આ ઉપરાંત ભારતી આશ્રમના મહંત હરિહરાનંદ ભારતી, મહાદેવ ભારતીને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ભારતી આશ્રમ ઉપરાંત ગોરખનાથ આશ્રના શેરનાથ બાપુ, કમળકુંડના મહંત મહેશગીરી બાપુ, અવધૂત આશ્રમના મહંત મહાદેવ ગીરીનો સમાવેશ થાય છે. જૂનાગઢ સ્થિત અક્ષર પુરુષોત્તમ અને પૂર્ણ પુરુષોત્તમ એમ બંને સ્વામિનારાયણ સંસ્થાના ગાદીપતિઓને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જૂનાગઢમાં આવેલ વૈષ્ણવ સંપ્રદાયની બે મોટી હવેલીના બાવાશ્રીને વિધિવત રીતે આમંત્રણ પાઠવાયા છે.
18મી જાન્યુઆરીથી પ્રયાણઃ જૂનાગઢ પંથકમાંથી આમંત્રણ મળેલ સંતો આ પ્રસંગમાં હાજર રહેવા મળ્યું તેનાથી ધન્યતા અનુભવે છે. તેઓ કોઈપણ કાળે આ દિવ્ય અને ભવ્ય પ્રસંગમાં હાજર રહેવા માંગે છે. પ્રભુ શ્રી રામની જાજરમાન પ્રાણ પ્રતિષ્ઠામાં સમય સર પહોંચી જવાય તે માટે સંત ગણ 18મી જાન્યુઆરીથી જ અયોધ્યા જવાનું આયોજન કરી રહ્યા છે.
500 વર્ષ બાદ આ શુભ ઘડી આવી છે. પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણને અમે સૌભાગ્યપૂર્ણ માનીએ છીએ, અમે આ આમંત્રણનો સહર્ષ સ્વીકાર કરીએ છીએ. સમગ્ર દેશમાંથી આવેલ સનાતન ધર્મના સંતો એક સાથે જોવા મળશે. આ ભારતીય ઈતિહાસની પ્રથમ ઘટના છે. જેને નજર સમક્ષ જોવાની જે તક મળી તેને હું આવકારું છું...મહાદેવ ભારતી(લઘુ મહંત, ભારતી આશ્રમ)