જૂનાગઢ: કોરોના સંક્રમણની વચ્ચે આખરે જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની ત્રીજા વર્ષની પરીક્ષાનો મંગળવારથી વિધિવત પ્રારંભ થયો છે. આ માટે તમામ પ્રકારની તકેદારીઓ સાથે ઝીગઝેગ પ્રકારની બેઠક વ્યવસ્થા રાખવામાં આવી છે.
![કોરોના સંક્રમણ વચ્ચે નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ત્રીજા વર્ષની પરીક્ષાઓનો થયો પ્રારંભ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jnd-01-exam-vis-01-byte-01-pkg-7200745_25082020111408_2508f_00482_1019.jpg)
છેલ્લા થોડા સમયથી પરીક્ષાઓને લઈને અનિશ્ચિતતાઓનું વાતાવરણ હતું, પરંતુ વિદ્યાર્થીઓના ભાવિને ધ્યાનમાં લઇને છેવટે પરીક્ષાઓ લેવાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પરીક્ષાઓમાં તમામ પ્રકારની તકેદારીઓનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. તમામ વિદ્યાર્થીઓને ફરજિયાત સેનીટાઈઝ કરવામાં આવી રહ્યાં છે, તેમજ પરીક્ષા ખંડની અંદર પણ વિદ્યાર્થીઓને માસ્ક પહેરવું ફરજીયાત કરવામાં આવ્યું છે.
બે વિદ્યાર્થી વચ્ચે ઓછામાં ઓછુ 1 મીટર કરતાં વધુનું અંતર રહે તે પ્રકારની બેઠક વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. તેમજ કોઈ પણ વિપરિત પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓનું આરોગ્ય ન જોખમાય અથવા કોઈપણ વિદ્યાર્થી તેમની તબિયતને લઈને પરીક્ષાઓ અધવચ્ચેથી છોડી શકે તેવી વિશેષ છૂટ પણ આપવામાં આવી છે. આ ઉપરાંત આવા વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે તેમજ ટ્રાયલ ન ગણાય તે માટે પણ યુનિવર્સિટીએ ખાસ વ્યવસ્થાઓ કરી છે. જેના માટે દરેક વિદ્યાર્થીઓ પાસેથી બાહેધરી પત્રક પણ ભરાવવામાં આવી રહ્યું છે.
![કોરોના સંક્રમણ વચ્ચે નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ત્રીજા વર્ષની પરીક્ષાઓનો થયો પ્રારંભ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jnd-01-exam-vis-01-byte-01-pkg-7200745_25082020111408_2508f_00482_439.jpg)