- જૂનાગઢ જેલમાં કાચા કામના કેદીએ કરી આત્મહત્યા
- કેદીની આત્મહત્યા બાદ પોલીસે હાથ ધરી તપાસ
- ગીર સોમનાથ જિલ્લાના નીતલી ગામનો છે કાચા કામનો કેદી
જૂનાગઢ: જૂનાગઢ જિલ્લા જેલમાં કાચા કામના એક કેદીએ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઈ હતી. ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના નીતલી ગામનો કાચા કામનો કેદી જાતીય દુષ્કર્મના અપરાધ સબબ જૂનાગઢ જિલ્લા જેલમાં રાખવામાં આવ્યો હતો. જ્યાં તેણે મફલર વડે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. જેની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનાની જાણ જૂનાગઢ પોલીસને થતાં પોલીસે આરોપીને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. કાચા કામના કેદીએ ક્યા કારણોસર આત્મહત્યા કરી છે, તેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના નીતલી ગામનો આરોપી થોડા મહિના પૂર્વે દુષ્કર્મ આચરવાના ગુના હેઠળ જૂનાગઢ જિલ્લા જેલ ખાતે લાવવામાં આવ્યો હતો. પાછલા કેટલાંક મહિનાથી તે જેલમાં બંધ હતો. ત્યારે સોમવારે સવારના સમયે આરોપીએ તેના બેરેકમાં મફલર વડે ગળેફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી છે. જેને લઇને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જેલ જેવા સુરક્ષિત વિસ્તારમાં પણ આરોપીએ આત્મહત્યા કરી લીધી છે. તે જેલની સુરક્ષાને લઈને પણ હવે અનેક સવાલો ઊભા થશે.આ સમગ્ર ઘટનાની જાણ જૂનાગઢ પોલીસને થતાં પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.