- આદિ જગતગુરુ શંકરાચાર્ય દ્વારા સનાતન ધર્મના રક્ષણ અને તેના ફેલાવવા માટે સ્થાપવામાં આવ્યા અખાડા
- જુના અખાડામાંથી આજે વિભાજન થઈને 13 જેટલા અખાડાઓ ધરાવે છે અસ્તિત્વ
- જે પૈકીનો સૌથી જુનો અને પુરાણો અખાડો એટલે જુનો અખાડો
જૂનાગઢ : આદિ સમય પહેલાં જગતગુરુ શંકરાચાર્ય દ્વારા સનાતન હિન્દુ ધર્મનું રક્ષણ થાય અને તેના સતત ફેલાવો થાય તેવા ઉદ્દેશ સાથે ધર્મના ફેલાવવા માટે અખાડાઓની રચના કરી હતી. શંકરાચાર્ય દ્વારા સૌપ્રથમ વખત જુના અખાડાની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારથી હિંદુ સનાતન ધર્મમાં અખાડાની પરંપરા શરૂ થતી જોવા મળી રહી છે. વર્ષો બાદ જુના અખાડામાંથી અન્ય સાત અખાડાઓ અસ્તિત્વમાં આવ્યા હતા. આજે વિભાજનને અંતે આ અખાડાઓ વધુ વિભાજીત બન્યા છે. જેમાં 7 અખાડામાંથી તેની સંખ્યા 13 સુધી જોવા મળી રહી છે. આ તમામ અખાડાઓ સનાતન હિન્દુ ધર્મના ફેલાવા અને તેના રક્ષણ માટે આજે પણ કામ કરી રહ્યા છે.
જુના અખાડાની પારંપારિક વિધિ અને દિગંબર સન્યાસીનું મહત્વ
આદિગુરુ શંકરાચાર્ય દ્વારા સ્થાપવામાં આવેલા જુના અખાડા દિગંબર સંન્યાસીઓ સાથે સંકળાયેલા જોવા મળે છે. આ સંન્યાસીઓની સેનાને દિગંબર સેના તરીકે પણ ઓળખવામાં આવે છે. જેને શિવના સૈનિકો તરીકે સમગ્ર વિશ્વમાં માન્યતા મળી છે. જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રીનાં મેળા દરમિયાન દિગંબર સંન્યાસીઓ કેન્દ્ર સ્થાને હોય છે. આ દિગંબરો મહાશિવરાત્રીના પાંચ દિવસના મેળામાં જોવા મળે છે. અહીં પાંચ દિવસ દરમિયાન સમગ્ર દેશમાંથી આવેલા દિગંબર સંન્યાસીઓ અલખને ઓટલે શિવ નામની ધૂણી ધખાવીને સનાતન હિન્દુ ધર્મની રક્ષા કરવા કાજે હિન્દુ ધર્મમાં આસ્થા રાખતા લોકોને શિવનાં રૂપમાં દર્શન આપતાં જોવા મળે છે.